બનાસકાંઠા : ડીસામાં આખોલથી ભડથ સુધીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલતમાં હોવાથી અહીંથી પસાર થતા પશુપાલકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ગ્રામજનો સહિત હજારો લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. વારંવાર રજૂઆત બાદ કોઈ જ કાર્યવાહી ન થતા આજે આમ આદમી પાર્ટીના આગેવાનો સહિત ગ્રામજનોએ રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
ભડથ બાજુ જવાનો જે રસ્તો છે ત્યાં ખૂબ મોટા ખાડા છે અને રસ્તો ખરાબ છે જેના કારણે પાણી ભરાઈ જાય છે. જ્યાં આગળ અકસ્માતો પણ સર્જાય છે જેને લઈને આજે લોકોએ આવેદનપત્ર આપ્યું છે. એ રસ્તા બાબતે પર્ટિક્યુલરી આરએનબી વિભાગ દ્વારા કામગીરી કરવામા આવે છે. તો આજે આવેદનપત્ર આપ્યું છે જેને ધ્યાનમાં લઇ અને જે તે ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવશે અને જેમ બને તેમ આ રસ્તાઓનું નિરાકરણ આવે તે દિશામાં પગલાં લેવામાં આવશે.. નેહા પંચાલ ( નાયબ પ્રાંત અધિકારી, ડીસા)
માર્ગ બે વર્ષથી ખરાબ હાલતમાં : ડીસા તાલુકામાં આખોલથી ભડથ સુધીનો માર્ગ છેલ્લા બે વર્ષથી ખરાબ હાલતમાં છે. 10 કિલોમીટર સુધીના આ માર્ગ પર અનેક જગ્યાએ મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આ માર્ગ પર ડાવસ,મહાદેવિયા, રોબસ ગેનાજી ગોળીયા સહિત આઠ જેટલા ગામડાઓ આવેલા છે અને રોજના 25 થી 30 હજાર જેટલા લોકો આ માર્ગ પરથી અવર-જવર કરે છે. પરંતુ રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં હોવાથી પશુપાલકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો સહિત હજારો વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડે છે. જ્યારે ડાવસથી ગામમાં જતા માર્ગ પર પણ કોન્ટ્રાક્ટરે મેટલ પાથર્યા બાદ રોડ ન બનાવતા ગ્રામજનો ભારે હાલાકી વેઠી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના આગેવાનોએ રેલી યોજી : આ મામલે સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી તેમની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. આથી કંટાળેલા ગ્રામજનો સહિત આમ આદમી પાર્ટીના આગેવાનોએ રેલી યોજી સરકાર વિરોધી નારા લગાવી આવેદનપત્ર આપ્યું હતું અને ઉબડખાબડ અને ખાડાવાળા રસ્તાઓમાં પટકાઈને પ્રતીકાત્મક ઇજાગ્રસ્ત થતા લોકો સાથે નાયબ કલેક્ટરને રજુઆત કરી તેમની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે.
આખોલથી ભડથ સુધી ખરાબ માર્ગ અને ડાઉટ કામમાં જતાં માર્કર મેટલ પાથર્યાં બાદ રોડ ના બનતા રોજના 30,000થી વધુ લોકો પરેશાન થઈ ગયા છે. જેથી આજે અમે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. જો તંત્ર તેમની સમસ્યાનો ઉકેલ નહીં લાવે તો અમે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. વિકાસની વાતો કરતા ભાજપના નેતાઓને ડીસા તાલુકામાં એક પણ માર્ગ ખારા વગરનો બતાવે તો 11000 રૂપિયા આપી તેમનું જાહેરમાં સન્માન કરવાની ચેલેન્જ પણ કરી હતી.. ડોક્ટર રમેશ પટેલ (પ્રભારી, ઉત્તર ગુજરાત, આપ)
ચૂંટણી વાયદા પોકળ : ચૂંટણી પત્યાંને એક વર્ષ થવા આવ્યું છે. જ્યારે ચૂંટણી હતી ત્યારે નેતાઓ ડીસા તાલુકાના ગામડાઓમાં ફર્યા હતાં અને જે સમસ્યાઓ હતી તે સમસ્યાઓ નિવારવા માટે વચનો આપ્યા હતાં. મહત્વની વાત છે કે કેટલાક ગામડાઓમાં ગામથી ગામને જોડતાઓ રસ્તાઓ નથી. તેથી ગામ લોકોએ જે તે ટાઇમે વચનો આપવા આવેલા નેતાઓને કહ્યું હતું કે તમે અમારા રસ્તાઓ બનાવી આપજો. ત્યારે વચન આપેલા નેતાઓ ચૂંટણી જીત્યા પછી આજ દિવસ સુધી તેઓ ગામની મુલાકાતે ગયા નથી અને રસ્તાઓ બનાવી આપવામાં આવેલા વચનોમાં ખરા ઉતર્યા નથી. ત્યારે આજે 17 જેટલા ગામના લોકોએ ભેગા મળીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી જલદીથી રોડ બની આપવામાં આવે તેવી આક્રોશ સાથે રજૂઆત કરી હતી.