બનાસકાંઠા : પાંચ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત બાદ પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે. જેમાં રાજસ્થાનને અડીને આવેલા તમામ જિલ્લાઓની બોર્ડર સીલ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાની ગુંદરી, નેનાવા, ખોડા અને અમીરગઢ સહિતની બોર્ડર ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે.
બોર્ડર પર પોલીસ ચેકપોસ્ટ : હથિયારધારી અને બિનહથિયારધારી પોલીસ જવાન દ્વારા રાજસ્થાનમાંથી આવતી ગાડી કે પછી ગુજરાતમાંથી રાજસ્થાન જતી તમામ ગાડીનું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. આ તમામ ગાડીઓને ચેકિંગ કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. રાજસ્થાની ચૂંટણીને લઈને ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 6 હંગામી ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે. જ્યારે રાબેતા મુજબ ચાલતી 3 ચેકપોસ્ટ પર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત : રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતની સરહદના તમામ જિલ્લા બોર્ડર પર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. અન્ય રાજ્યમાંથી આવતા તમામ વાહનોને હાલ તો કડક ચેકિંગ કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તો પોલીસ દ્વારા હાલ તમામ ગાડીઓના ડ્રાઇવર અને ગાડી નંબરની નોંધણી પણ શરૂ કરવામાં આવી છે. ધાનેરા અને નેનાવા ચેકપોસ્ટ ઉપર પોલીસ જવાનો દ્વારા ચેકિંગ હાથ ધરી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
5 હંગામી ચેકપોસ્ટ તૈયાર : આ બાબતે ધાનેરા પોલીસ સ્ટેશનના PI એ.ટી. પટેલએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં DGP સાહેબના માર્ગદર્શન અને પોલીસ અધિક્ષક સાહેબની સૂચના પ્રમાણે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 કાયમી ચેકપોસ્ટ આવેલી છે, જેમાં નેનાવા ચેકપોસ્ટ અને વાસણ ચેકપોસ્ટ છે. ઉપરાંત રાજસ્થાનમાં 2023 ની ચૂંટણી આવી રહી છે. જેના અનુસંધાને 5 હંગામી ચેકપોસ્ટો ઊભી કરવામાં આવેલ છે. જેમાં અનાપુરભટ, લવારા, વાધણા, સરાલ અને થાવર ખાતે ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે.
તમામ વાહનોની નોંધણી : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ તમામ ચેકપોસ્ટ ઉપર હાલમાં 24/7 હથિયારી જવાન તૈનાત રાખીને સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હાલમાં આ ચેકપોસ્ટ પર આવતા વાહનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત ચેકપોસ્ટ પરથી અવરજવર કરતા તમામ વાહનોની નોંધણી કરવામાં આવે છે. જેમાં કોઈ હથિયાર, દારૂ અને રોકડ રૂપિયા સહિતની વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.