બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં બિપરજોય વાવાઝોડાની અશરમાં પવન સાથે ભારે વરસાદ થતા લાખણી તાલુકાના મોટાભાગના ખેતરો બેટમાં ફેરવાયા છે. ત્યારે ખેતરોનો પડેલી બાજરીનું ઘણું નુકસાન થયેલું સામે આવ્યું છે. હાલમાં તો વાવાઝોડાનો ફટકો પડતાં ખેડૂતોને રાતા પાણી ભરવાનો વારો આવ્યો છે ત્યારે પાક નુકસાનીનો સર્વે કરી ઝડપથી સરકાર સહાય આપે તેવી માગણી થઇ રહી છે.
બાજરીના પાકને મોટું નુકસાન : હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારીભવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે વાત લાખણી તાલુકાના નાંણી કમોડા, ડેકા, ધુણસોલ, કોટડા જેવા અનેક ગામોના ખેતરોમાં પાણી ભરાયું છે તેની કરીએ.ભારે વરસાદ અને પવનથી ખેતરોમાં ઊભેલી બાજરી અને બાજરીની ચાર પલળી ગઈ છે. ત્યારે ખેડૂતોને મોમાં આવેલો કોળીયો છીનવાયો છે. કારણ કે હવે માત્ર બે દિવસમાં બાજરીનું કામ પૂરું થઈ જવાનું હતું અને ખેડૂત બાજરી લઈ લેવાના હતાં ત્યારે અચાનક વરસાદ આવતા ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાયો છે.
અમે મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી અને અમને આશા હતી કે અમે અમારા બાળબચ્ચાંઓને ખવડાવવા માટે કંઈક બાજરી લઈ શકીશું. પરંતુ અચાનક જે વરસાદ આવ્યો જેના કારણે અમારી બાજરી ખેતરમાં પડી હતી તે પલળી ગઈ છે અને નષ્ટ થઈ ગઈ છે અમારે હવે આમાંથી એક રૂપિયો પણ ઉપજ મળે તેમ નથી. કે પશુઓને ખવડાવવા માટે ચાર પણ બચી નથી. તમામ બાજરી અને ચાર સડી ગઈ છે પાણીમાં. જેના કારણે હવે એક આશરો સરકારનો છે. તો સરકાર સત્વરે સર્વે કરી અને યોગ્ય સહાય કરે તો જીવી શકાય તેમ છે નહીતર ખેડૂતને મોટી મુશ્કેલી છે... સ્થાનિક ખેડૂતો
ખાતર બિયારણનો ખર્ચ માથે પડ્યો : મહત્વની વાત છે કે ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી અને ખેડૂતોને આશા હતી કે તેઓ બાજરીના પાકમાંથી કંઈક ઉપજ મળશે અને પોતાનું પેટિયું રળી શકાશે. પરંતુ જે પ્રમાણે ઉપરાઉપર કુદરતની આફતો આવી રહી છે તેમાં વધુ એક આફત આવી છે. જેના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા અને તૈયાર બાજરી નષ્ટ થઈ છે. આમ લાખણી તાલુકાના ઘણાં ગામોના ઘણાં ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.