બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે આ વર્ષે બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારે બનાસ નદીમાં પાણી છોડતા જ ઉંબરી અને કંબોઈ વચ્ચે રેલવે બ્રિજ જર્જરિત હાલતમાં થઈ જતા તેની અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ રેલવે બ્રિજ પરથી પસાર થતી માલગાડી પણ બંધ કરવામાં આવી છે અને જે ટ્રેન પસાર થઈ રહી છે તે પણ 20 ની સ્પીડે પસાર કરવામાં આવી રહી છે.
રેલવે બ્રિજ ધોવાઈ ગયો : બનાસકાંઠા જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે આ વર્ષે દાંતીવાડા જળાશય છલોછલ ભરાઈ ગયો હતો. જેના કારણે બનાસ નદીમાં દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાયું હતું. બનાસ નદીમાં પાણી આવતાની સાથે જ કંબોઇ અને ઉંબરીને જોડતો મુખ્ય માર્ગ ધોવાઈ જતા વાહન ચાલકોની અવરજવર બંધ કરવાની ફરજ પડી હતી. તો બીજી તરફ બનાસ નદીમાં કંબોઈ અને ઉંબરી વચ્ચે પસાર થતી રેલવે બ્રિજ પર પણ તેની અસર જોવા મળી રહી છે ઉંબરી પાસેથી બનાસ નદીનું પાણી પસાર થતાં જ હાલમાં રેલવે બ્રિજ ધોવાઈ ગયો છે જેના કારણે હાલમાં આ બ્રિજનો કાટમાળ બહાર નીકળેલો જોવા મળી રહ્યો છે.
આપણે જે પુલની વાત કરવી છે તે બનાસ નદી પર રેલવેનો પુલ આવેલો છે જે 100 નંબરના પુલથી ઓળખાય છે અને તે મહેસાણાથી ભીલડી સેક્શનમાં આવે છે. આ વખતે ઉપરવાસમાં ભારે વરસાદ હતો જેના કારણે દાંતીવાડા ડેમમાં પાણી આવ્યું હતું અને જેના કારણે પાણી છોડવામાં આવ્યું. તેથી રેલવે બ્રિજમાં ફાઉન્ડેશન એક્સપોઝ થઈ અને ત્યારબાદ એની જાણ થતા તેની તપાસ કરવામાં આવી. જેમાં એવું જાણવા મળ્યું કે એના કેટલાક પીલરો પાણીના પ્રવાહને કારણે ડેમેજ થયેલા છે. તેથી તાત્કાલિક ધોરણે રેલવે વિભાગ દ્વારા તેનું નિરીક્ષણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે આ બ્રિજ પરથી રેલવે નીકળતી હોય છે તેમાં પેસેન્જર ગાડી નીકળે છે એમાં સ્પીડ ઘટાડીને 20ની સ્પીડ કરી દેવામાં આવી છે અને જે માલગાડીઓ ચાલતી હોય છે તે માલગાડીઓ અત્યારે બંધ કરી દેવામાં આવી છે. અમને જાણ થઈ ત્યારથી ગઈકાલે પણ ટીમ ત્યાં કાર્યરત હતી અને આજે પણ ત્યાં ટીમ કાર્યરત છે. ક્યાં કેટલું ડેમેજ થયું છે તેનો ડેટા એકત્ર કરી તાત્કાલિક ધોરણે તેનું કામ ચાલુ કરી દેવામાં આવશે...સુધીર ચૌધરી(રેલવેના અધિકારી,અમદાવાદ)
રીપેરીંગ કામ કરવામાં આવે : આ રેલવે બ્રિજ જર્જરિત થતાની સાથે જ પેસેન્જર ટ્રેનની ગતિ બ્રિજ પર 20 ની કરવામાં આવી છે. તો બીજી તરફ ભારે માલ ભરીને જતી માલગાડીઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. બનાસ નદીમાં બનેલો આ બ્રિજ મહેસાણા દિલ્હીને જોડતો બ્રિજ નંબર 100નો પીલર માનવામાં આવે છે અને હાલમાં આ પીલર જર્જરિત હાલતમાં થતા તેની સીધી અસર માલગાડી પર જોવા મળી રહી છે. ત્યારે આ બ્રિજને લઈ લાગતા વળગતા અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરી તેનું રીપેરીંગ કામ કરવામાં આવે તેવી હાલ સ્થાનિક લોકોની માંગ છે.
આ બ્રિજ બન્યે થોડો સમય થયો છે અને ટૂંક જ સમયમાં આવી રીતે એકદમ ઓછું પાણી આવ્યું અને ઓછા પાણીમાં જ આ પીલરો ડેમેજ થઈ ગયા છે અને લોખંડની ખીલાસરી દેખાવા લાગી છે. આમાં સિમેન્ટ ઓછો વપરાયો છે અને રેતી વધારે વપરાય છે. ઉપરથી જો કોઈ ભારે વજનવાળી ટ્રેન નીકળે તો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી પરિસ્થિતિ છે. એટલે તાત્કાલિક ધોરણે તંત્ર એ અને રીપેરીંગ કરી દેવું જોઈએ..મંગલસિંહ વાઘેલા(સ્થાનિક)
અધિકારીઓએ નિરીક્ષણ કર્યું : બનાસ નદીમાં પાણી બંધ થતાની સાથે જ રેલવે બ્રિજ નીચે જે પીલરો બનાવવામાં આવ્યા હતા તે તમામ જિલ્લામાં હાલ લોખંડના સળિયા પણ બહાર જોવા મળી રહ્યા છે. જેના કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે રેલવે બ્રિજ જર્જરિત થતા રેલવે અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીના કારણે જે રેલવે બ્રિજ જર્જરિત થયો છે તેનું જાત નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું.
- Surat News: કોસંબાથી ઉમરપાડા રેલવે નેરોગેજ માંથી મીટર પરિવર્તિત કરવા માટે કેન્દ્ર સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા
- Banaskantha News: દિયોદરના ધારાસભ્યના રાજીનામાને લઈને આંદોલન શરૂ, ગાંધીનગર સુધી પદયાત્રામાં જોડાયા હજારો ખેડૂતો
- Banaskantha: પૂરમાં ઓરડાની સાથે વહી ગયું બાળકોનું ભવિષ્ય, ઝાડ નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ