- બનાસકાંઠા જિલ્લામાં વાહન ચોરીની ઘટનામાં વધારો
- પોલીસે બાઈક ચોરો પાસેથી 10 બાઈકો કર્યા કબજે
- પોલીસની કાર્યવાહીથી અન્ય ચોરી કરતી ગેંગમાં ફફડાટ
બનાસકાંઠાઃ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે જિલ્લા સહિત રાજસ્થાનમાંથી નકલી ચાવી વડે બાઈક ચોંરી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 9 બાઈક સહિત એક એક્ટિવા મળી 10 ટુ-વહીલર્સ ઝડપી તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જિલ્લામાં વાહન ચોરીની ઘટનામાં વધારો
જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અજાણ્યા શખ્સો દ્વારા વાહન ચોરીની ઘટનાઓને અંજામ આપવામાં આવતો હતો. અત્યાર સુધી જિલ્લામાં લોકડાઉન બાદ દરેક તાલુકાઓમાં રોજેરોજ નાની-મોટી અનેક ચોરીઓની ઘટનાઓ સામે આવી રહી હતી. ત્યારે ખાસ કરીને જિલ્લો રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે રાજસ્થાનથી આવતા પરપ્રાંતીય લોકો જિલ્લામાંથી બાઈકોની ચોરીઓ કરી ફરાર થઈ જતા હતા. ત્યારે સતત ચોરીની ઘટનાથી લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો હતો.
LCBની ટીમે બે શખ્સોની કરી અટકાયત
જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જિલ્લામાં થયેલી ગુનાખોરીની પ્રવૃત્તિઓનો ભેદ ઉકેલવા પાલનપુર હાઇવે પર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હાઇવે વિસ્તારમાંથી રાજસ્થાન પાસીંગનું બાઈક લઈ ઉભેલા ડીસાના ભોયણ ગામના હિતેષ સોનારામ ગેલોતને શકના આધારે ઝડપી તેની કડક પૂછપરછ કરવામાં આવી હતી. આ શખ્સે જિલ્લાના થરાદ, ડીસા, ધાનેરા સહિત રાજસ્થાનના બાગરામાંથી 10 વાહનો ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. જે પૈકી તેણે બે બાઇકો ડીસા માર્કેટયાર્ડ નજીક રાખી હોવાનું જ્યારે 7 બાઇકો થરાદની આશાપુરા સોસાયટીમાં રહેતા રમેશ રાજપૂતને વેંચ્યા હોવાનું જણાવ્યુ હતુ.
આરોપીની કબૂલાત બાદ પોલીસે 10 વાહનો કબ્જે કરી
આરોપીની કબુલાત બાદ થરાદના રમેશ રાજપૂત પાસેથી પોલીસે 7 બાઇકો સહિત 10 વાહનો કબ્જે કર્યા હતા. પોલીસે બંને આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. બાઇક ચોરીમાં ઝડપાયેલ મુખ્ય સૂત્રધાર હિતેષ માળી અઢી માસ અગાઉ પણ બાઇક ચોરીના ગુનામાં ઝડપાયો હતો. જેની સામે પાલનપુર પૂર્વ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, આ રીઢો બાઇક ચોર નકલી ચાવી રાખતો હતો અને રાત્રીના સમયે એકલ-દોકલ પડેલા બાઇકની ચોરી કરતો હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હતો.
પોલીસની કાર્યવાહીથી અન્ય ચોરી કરતી ગેંગમાં ફફડાટ
જિલ્લામાં સતત વધતી જતી ચોરીઓની ઘટનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાત્રીના સમયે સૌથી વધુ ચોરીઓની ઘટના બનતી હોવાથી પોલીસ દ્વારા તમામ જગ્યા ઉપર પેટ્રોલિંગ વધારવામાં આવ્યુ છે. ખાસ કરીને રાજસ્થાનથી બનાસકાંઠા જિલ્લામાં પરપ્રાંતીય લોકો દ્વારા વાહન ચોરીની મોટી મોટી ઘટનાઓને અંજામ આપવામાં આવતો હોય છે. ત્યારે પોલીસ દ્વારા ગુજરાત અને રાજસ્થાનને જોડતા તમામ રોડ પર રાત્રિ પેટ્રોલિંગ વધારતા હાલમાં મોટાભાગની ચોરીઓના ભેદ એક પછી એક ઉકેલાઈ રહ્યા છે. પોલીસની કડક કાર્યવાહીથી અન્ય ચોરીની ઘટનાને અંજામ આપતા ચોરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.