- બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો
- તહેવારો બાદ રોજના 50 થી 60 કેસ આવી રહ્યા છે સામે
- ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના કેસમાં વધારો
બનાસકાંઠાઃ જિલ્લા સહિત સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, વરસાવી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની હાલત પણ છેલ્લા પંદર દિવસથી કોરોના મામલે કફોડી બની છે. પહેલા અહીં રોજના પાંચ થી સાત કેસ આવતા હતા, તેની જગ્યાએ અત્યારે રોજના 50 થી 60 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. આરોગ્ય વિભાગનું માનીએ તો અત્યાર સુધી માત્ર ડીસા અને પાલનપુર હોટસ્પોટ બન્યા હતા, પરંતુ હવે ડીસા અને પાલનપુરની સાથે સાથે કાંકરેજ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.
લોકો પોતાના માદરે વતન આવતા કોરોનાના કેસમાં વધારો
જિલ્લામાં મુંબઈ, સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને નવસારી જિલ્લાઓમાંથી લોકો પોતાના માદરે વતન આવતા સતત કોરોના વાઈરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં જિલ્લામાં શહેરી વિસ્તાર અને ગ્રામિણ વિસ્તારોમાં એક પછી એક કોરોના વાઈરસના કેસ સામે આવી રહ્યા છે.
જિલ્લામાં 19 હોસ્પિટલમાં કોરોનાની સારવાર ઉપલબ્ધ
સરહદી વિસ્તારમાં કોરોના વધુને વધુ લોકોને તેના ભરડામાં લઈ રહ્યુ છે. જેના કારણે આરોગ્ય વિભાગની પણ ચિંતા વધી ગઈ છે અને આરોગ્ય વિભાગે વધુને વધુના ટેસ્ટ કરી કોરોના સંક્રમણને અટકાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. જ્યાં સુધી કોરોનાની રસી નથી શોધાઈ ત્યાં સુધી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે આરોગ્ય વિભાગ વારંવાર લોકોને સલાહ આપી રહ્યું છે. જોકે, તહેવારોના સમયમાં લોકોએ બેદરકારી દાખવતા હવે તેનો ભોગ લોકોએ જ બનવું પડી રહ્યુ છે. કોરોનાગ્રસ્ત લોકોને વધુ સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગે 3 સરકારી હોસ્પિટલ અને 16 ખાનગી હોસ્પિટલોમાં 600 દર્દીઓને એકસાથે સુવિધા મળી રહે તે માટેની વ્યવસ્થા કરી છે અને હજુ પણ વધુ ખાનગી હોસ્પિટલોમાં કોવિડની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગ દ્વારા કોરોના કેસને રોકવા પૂરતા પ્રયાસો
બનાસકાંઠા જિલ્લામાં વધી રહેલા કોરોના વાઈરસના કેસને અટકાવવા માટે આરોગ્ય વિભાગ તો તેના પૂરતા પ્રયાસો કરી રહ્યું છે અને કોરોના સંક્રમણને અટકાવવા માટે દિન રાત મહેનત કરે છે, પરંતુ જ્યાં સુધી લોકોનો સહકાર નહીં મળે ત્યાં સુધી કોરોનાને અટકાવવો શક્ય નથી, જેથી તમામ લોકો સાવચેતી એ જ સલામતી સમજીને માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે તો કદાચ સરહદી વિસ્તારમાં કોરોનાને વધતો અટકાવી શકાશે.