- બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત જિલ્લો
- બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલ ખેડૂતોની મુલાકાતે
- જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો વચ્ચે કરી ચર્ચા-વિચારણા
બનાસકાંઠા : જિલ્લો એ વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે. ખાસ કરીને મોટા ભાગના ખેડૂતો નાની-મોટી ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા ઘણાં સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વારંવાર આવતા નુકસાનના કારણે ખેડૂતો ખેતી છોડી અને પશુપાલન તરફ વળ્યા હતા. પરંતુ ધીમે ધીમે નવી નવી ટેકનોલોજી અને નવી નવી ખેતી બહાર આવતા હાલ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ફરી એકવાર ખેતી તરફ વળ્યા છે. હાલમાં બનાસકાંઠા જિલ્લાના એવા અનેક ખેડૂતો છે કે, જેઓ પોતાની ખેતી થકી દેશ અને વિદેશમાં પોતાની નામના ધરાવી રહ્યા છે. ત્યારે અન્ય ખેડૂતો પણ આવી અલગ અલગ ખેતી તરફ પ્રેરાય તે માટે બનાસકાંઠા જિલ્લાના કલેકટર ખેડૂતોની મુલાકાત કરવાની નવી પહેલ શરૂ કરી છે.
બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે રવિવારના રોજ અલગ-અલગ પ્રગતિશીલ ખેડૂતોના ફાર્મની મુલાકાત લીધી હતી. કલેકટર આનંદ પટેલે પ્રસન્નતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોના કારણે કૃષિ ક્ષેત્રે પણ વ્યાવસાયિક કક્ષાનું વ્યાપારિક મોડેલ ધીમે ધીમે આકાર પામી રહ્યું છે. ખેત આધારિત વ્યવસાયોમાં પણ રોજગારીની તકોનું નિર્માણ કરનારા યુવા ખેડૂતોના લીધે આ વ્યવસાયમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે.
કલેકટરે ખેડૂતો સાથે બાગાયતી પાકોની ચર્ચા કરી
બનાસકાંઠા જિલ્લાના કલેકટર આનંદ પટેલે થરાદ તાલુકાના બુઢનપુર ગામના પ્રગતિશીલ ખેડૂત અણદાભાઈ પટેલના ખેતરમાં ભોજન લઇ ખેડૂતો સાથે બાગાયતી પાકોની ચર્ચા કરી હતી. આ ઉપરાંત લાખણી તાલુકાના લીંબાળા ગામના ખેડૂત થાનાભાઈ પટેલની નર્સરી અને, ડીસા તાલુકાના ભોયણના ખેડૂત શ્રીકાંતભાઈ પંચાલની જીરેનિયમ ખેતી તેમજ ડિસ્ટિલેશન યુનિટની પણ મુલાકાત લીધી હતી. ભોયણ ગામે રાજ્યમાં પ્રથમ વખત સુગંધિત ખેતી અંગેની જાણકારી મેળવી જાત નિરીક્ષણ કર્યું હતું. કલેકટરની મુલાકાત પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી પી. કે. પટેલ, નાયબ બાગાયત નિયામક જે.બી.સુથાર, નાયબ ખેતી નિયામક બી. એન. પટેલ, આત્માના પ્રોજેક્ટ ડાયરેકટર એચ. જે. જિંદાલ, થરાદ પ્રાંત અધિકારી વી.સી.બોડાણા, થરાદ મદદનીશ ખેતી નિયામક એમ.જી. ઉપલાણા, બાગાયત અધિકારી એમ. પી. મકવાણા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.