બનાસકાંઠા : ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ બાજરીનું વાવેતર થાય છે. જેમાં ખેડૂત શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ ત્રણેય સિઝનમાં બાજરીનું ભરપૂર વાવેતર કરે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી માર્કેટમાં બાજરીના પૂરતા ભાવ ન મળતા સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે બાજરી ખરીદવાનો શરૂ કર્યું છે. આ વર્ષે બજારભાવ કરતા ટેકાના ભાવમાં સો રૂપિયાનો વધારો હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
માર્કેટની અંદર અમારી બાજરી 400થી 430 રૂપિયામાં ખરીદવામાં આવે છે, ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કર્યા છે. જેમાં 530 રૂપિયા સુધી ખરીદવામાં આવે છે, તેથી અમને એક મણના સીધા 100 રૂપિયા ફાયદો થાય છે. તેથી અમે અહીં બાજરી વેચવા માટે આવીએ છીએ અને સરકારનો અમે આભાર માનીએ છીએ કે અમને બજાર કરતા સારો ભાવ આપે છે. - (ખેડૂતો)
કેટલા ભાવ મળે છે : અત્યારે ડીસા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે બાજરી ખરીદવાનું શરૂ કરાયુ છે, ત્યારે ડીસા આસપાસમાં રહેતા ખેડૂતોએ બાજરી વેચાણ માટે માર્કેટ યાર્ડમાં લાંબી કતાર લગાવી દીધી છે. ખુલ્લા માર્કેટમાં અત્યારે બાજરીના મણે 400થી 430 રૂપિયાનો ભાવ મળે છે, જ્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે 530 રૂપિયા આપવામાં આવે છે. જેથી ખેડૂતોને મણે 100 રૂપિયાનો સીધો ફાયદો થાય છે અને તેથી ખેડૂતો પોતાના ખેતરમાંથી ટ્રેક્ટર સહિતના વાહનોમાં બાજરીની બોરીઓ ભરી વેચવા માટે ડીસા માર્કેટયાર્ડમાં આવી રહ્યા છે.
કુલ 2000ની આસપાસ ડીસા તાલુકાના ખેડૂતો જેટલા રજીસ્ટ્રેશન થયા છે. જેમાંથી અમુક રજીસ્ટ્રેશન બ્લોક પણ થયેલા છે. જે ખુલ્લા છે તેમાંથી 178થી 180 ખેડૂતોની ખરીદી કરવામાં આવી છે. જેમાં અંદાજે 21,000થી 22,000 જેટલી કટ્ટાની ખરીદી કરવામાં આવી છે, જ્યારે બજારમાં 400થી લઈને 430 રૂપિયા સુધી બાજરીનો ભાવ આપવામાં આવે છે, ત્યારે સરકાર દ્વારા અહીં 530 રૂપિયા ખરીદી કરવામાં આવે છે. તેથી અત્યારે ખેડૂતો અહીં બાજરી વેચવા માટે આવી રહ્યા છે. - ચેતન પ્રજાપતિ (ગોડાઉન મેનેજર)
200 ખેડૂતોની બાજરીની ખરીદી : ડીસામાં આ વખતે બાજરી વેચવા માટે 2000 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે. જેમાં અત્યાર સુધી 200 જેટલા ખેડૂતોની બાજરીની ખરીદી થઈ છે. બાકીના ખેડૂતોની બાજરી નંબર મુજબ ખરીદવાનું ચાલુ છે. બાજરીનો બજાર ભાવ અત્યારે મણે 400થી 430 રૂપિયા જેટલો છે, જ્યારે સરકાર 530નો ભાવ આપે છે. જેથી ખેડૂતોને 100થી 130 રૂપિયાનો સીધો ફાયદો થાય છે.