બનાસકાંઠા : રાજ્યમાં ડુપ્લીકેટ અને અખાદ્ય ચીજ વસ્તુઓ બનાવવાનું મુખ્ય કેન્દ્ર બનેલા ડીસામાં ખાદ્ય ચીજવસ્તુઓનું મોટા પ્રમાણમાં ડુપ્લીકેટીંગ થઈ રહ્યું છે. ડીસામાં ઘી, તેલ, મરચું, હળદર, કોસ્મેટિક આઈટમો, લ્યુબ્રીકેટ ઓઇલ, યુરિયા ખાતર સહિતની ચીજ વસ્તુઓમાં બનાવટ તેમજ ભેળસેળ કરવાની પ્રવૃત્તિ વર્ષોથી ચાલી રહી છે.
નાટકીય દ્રશ્ય સર્જાયાં : ત્યારે બનાસકાંઠા ફૂડ વિભાગની ટીમે ગત મધરાતે ડીસા જીઆઇડીસીની પાછળ ઢુંવા રોડ પર આવેલ પીએન ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પદ્મનાથ ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો.જે દરમિયાન કેટલાક નાટકીય દ્રશ્ય સર્જાયાં હતાં. ફેક્ટરી માલિકે મુખ્ય ગેટ ન ખોલતા ફૂડ વિભાગના અધિકારીઓ મુખ્ય દરવાજો અને કંપાઉન્ડવોલ કૂદીને અંદર પડ્યા હતાં.
અમને અરજી મળી હતી કે ડીસામાં જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક ઘીની ફેક્ટરી છે જ્યાં ડુબલીકેટ ઘી બનાવવામાં આવી રહ્યું છે. ત્યારે અમારી ટીમ દ્વારા ગઈકાલ જીઆઇડીસીમાં આવેલી ફેક્ટરીમાં તપાસ કરવામાં આવી હતી. પરંતુ ત્યાં પહોંચ્યા ત્યારે ફેક્ટરીના દરવાજા બંધ હતાં ત્યારે અમારા દ્વારા દરવાજા કૂદીને અંદર જઈને તપાસ કરતા શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે 25 પેટીઓ તેમજ 4,700 પાઉચ જેટલો જથ્થો એના સેમ્પલ લઈને 2,48,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને લીધેલા સેમ્પલ એફએસએલમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે...પી. એચ. પટેલ (જિલ્લા ફુડ ઇન્સ્પેક્ટર)
રૂપિયા 2.48 લાખનો મુદ્દામાલ જપ્ત : પદ્મનાથ ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં અંદર તપાસ કરતા ફેક્ટરીમાં શાશ્વત, પારેવા, સુખ, શુભ સહિતની બ્રાન્ડના નામે આખાદ્ય ઘી પેકિંગ કરવામાં આવતું હતું. જેથી ફૂડ વિભાગ દ્વારા આ ઘીના સેમ્પલો લઈ લેવામાં આવ્યાં હતાં. આ સાથે શંકાસ્પદ ઘીની 25 પેટીઓ તેમજ 4700 પાઉચ જેટલો જથ્થો સીઝ કર્યો હતો. શુદ્ધ ગાયના ઘીના નામે વનસ્પતિ તેલમાં એસેન્સ કેમિકલ વગેરે ભેળવીને આ ઘી બનાવી બજારમાં શુદ્ધ ઘીના નામે વેચાણ કરવામાં આવતું હતું.જેથી જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ફેક્ટરી માલિક લોમેસ લીંબુવાલા પાસેથી કુલ રૂપિયા 2.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સેમ્પલ લેબોરેટરી ચકાસણી અર્થે મોકલી આપ્યા છે.
સ્થાનિક લોકોમાં રોષ : ડીસા શહેરમાં ઘણા સમયથી અખાદ્ય ઘી વ્યાપારને લઈ સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે જે પણ લોકો અખાદ્ય ઘીનો વ્યવસાય વર્ષોથી કરે છે તેમની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. માત્ર સેમ્પલ લઈ અને જતા રહે છે. જેના કારણે વર્ષોથી ડીસા શહેરમાં અખાદ્ય ઘીનું મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. તેના કારણે તેની સીધી અસર લોકોના આરોગ્ય પર પણ જોવા મળી રહે છે. ત્યારે તાત્કાલિક ધોરણે ઘીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.