અમીરગઢઃ રાજસ્થાનમાં ચૂંટણીના સંદર્ભે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે. બનાસકાંઠા પોલીસે કુલ 29 ચેકપોસ્ટ બનાવી છે. આ ચેકપોસ્ટ પર રાત દિવસ પોલીસ સર્ચ ઓપરેશન કરી રહી છે. આવા જ એક સર્ચ ઓપરેશનમાં પોલીસને કુલ 4 કરોડ 26 લાખ રુપિયાનું એમડી ડ્રગ્સ ઝડપી લેવામાં સફળતા મળી છે. પોલીસે ડ્રગ્સની હેરફેર કરતી એક નાઈજિરિયન યુવતિની પણ ધરપકડ કરી છે.
સમગ્ર ઘટનાક્રમઃ બનાસકાંઠા પોલીસ 29 ચેકપોસ્ટ બનાવીને બોર્ડર વિસ્તારમાં સઘન ચેકિંગ કરી રહી છે. જે પૈકી અમીરગઢ ચેક પોસ્ટ પર ચેકિંગ ચાલી રહ્યું હતું. આ ચેકિંગ દરમિયાન એક દિલ્હીથી મુંબઈ જતી ખાનગી બસ ત્યાંથી નીકળી. પોલીસે આ ખાનગી બસનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ બસના મુસાફરોમાં એક નાઈજિરિયન યુવતિ પણ હતી. આ વિદેશી યુવતિ પોલીસ ચેકિંગ જોઈને ગભરાઈ ગઈ હતી. તેણી પોતાનો સામાન સગેવગે કરવા લાગી. પોલીસને શંકા જતા તેનો દરેક સામાનનું સઘન ચેકિંગ કર્યુ હતું. જેમાંથી પોલીસને કુલ 4 કરોડ 26 લાખ કિંમતનું અંદાજિત 4 કિલોથી વધુ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે આ ડ્ર્ગ્સ ઝડપી લીધું અને વિદેશી યુવતિની ધરપકડ કરી લીધી હતી. આ મહિલા પાસેથી નાઈજિરિયન પાસપોર્ટ મળી આવ્યો હતો. તેમજ તે ભારતમાં 2021માં 2 મહિનાના વિઝા પર આવી હતી. જે એક્સપાયર્ડ થઈ ગયા હોવાથી તેણી ભારતમાં ગેરકાયદેસર રહેતી હોવાનું સામે આવ્યું છે. પોલીસ આ યુવતિ પાસેથી ડ્રગ્સના સેલર, બાયર તેમજ ડિલિવરી સ્થળ વગેરે માહિતી વિષયક પુછપરછ કરી રહી છે. આ સમગ્ર કામગીરી બનાસકાંઠા એલસીબી અને SOGએ સફળતાપૂર્વક પાર પાડી હતી.
રાજસ્થાનની ચૂંટણી સંદર્ભે બનાસકાંઠા પોલીસ દ્વારા આશરે 29 જેટલી ચેકપોસ્ટ્સ બનાવવામાં આવી છે. જેમાં અમીરગઢ ચેકપોસ્ટ ઉપર અમારી લોકલ પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વાહનોની તપાસ કરવામાં આવી રહી હતી. જેમાં એક ખાનગી વાહનની તપાસ કરતા એક વિદેશી યુવતિ પાસેથી કુલ 4 કરોડ 26 લાખ રુપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. આ યુવતિ નાઈજિરિયન પાસપોર્ટ ધરાવે છે. આ યુવતિ અમદાવાદમાં પણ ડ્રગ્સ વેચવાની હતી. અમે અમદાવાદમાં ડ્રગ્સના ખરીદારની પુછપરછ કરી રહ્યા છીએ...અક્ષયરાજ મકવાણા(એસપી, બનાસકાંઠા)