બનાસકાંઠા : પાલનપુરમાં GPC કન્ટ્રકશનમાં સિવિલ એન્જિનિયર તરીકે કામ કરતા પાલનપુરના યુવક સાથે ગંભીર બનાવ બન્યો છે. ડીઝલ ચોરી કર્યું હોવાના આરોપ સાથે કંપનીમાં કામ કરતા યુવકના જ મિત્રોએ તેને ઢોર માર માર્યો હતો. આ અંગે યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
શું હતો મામલો ? પોલીસમાં નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ 25 વર્ષીય પાર્થકુમાર જશુભાઈ તુરી પાલનપુરના પ્રકાશનગરમાં ગોરવાડી પાસે રહે છે. એક વર્ષથી તેઓ GPC કન્સ્ટ્રક્શનમાં સિવિલ એન્જિન તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગત 28 સપ્ટેમ્બરના રોજ સાંજના સાડા આઠેક વાગ્યાના સમયે પાર્થ, તેમની માતા ભગવતીબેન અને તેમના બહેન દિશાબેન સાથે ઘરે હાજર હતા. તે દરમિયાન કંપનીમાં એની સાથે કામ કરતા ધાર્મિકભાઈ ચૌધરીએ તેમને ફોન કરીને કહ્યું હતું કે, આજે મારો બર્થ ડે છે. તેણે પાર્થને બર્થ ડે ઉજવવા માટે સવેરા હોટલ ખાતે બોલાવ્યો હતો. પાર્થે બર્થ ડેમાં જવાની તૈયારી કરી અને થોડા સમય પછી કંપનીમાં બાંધેલી બોલેરો કેમ્પસ ગાડી તેને લેવા માટે આવી હતી.
ચોરીનો આરોપ : વિશ્વદીપ સચિન અને ધાર્મિક ચૌધરી આ બંને યુવકને લેવા માટે તેના ઘરે ગયા હતા. ત્યારબાદ આ ત્રણે લોકો બર્થ ડેની ઉજવણી કરવા માટે સવેરા હોટલ બાજુ પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ યુવકને આરટીઓ સર્કલ બ્રિજ ઉપર લઈ ગયા હતા. ત્યાં જ્યારે પહોંચ્યા ત્યારે સામે રમેશભાઈ ચૌધરી, નિકુલ ચૌધરી, આકાશ ચૌધરી અને વિકાસ ચૌધરી ઉભા હતા. ત્યાં ગાડી ઉભી રાખી અને પાર્થને કહેવામાં આવ્યું કે, અમને ભરત ઠાકોરે કહ્યું છે કે, આપણી જગ્યામાં જે ડીઝલની ચોરી થાય છે તેમાં તારો હાથ છે.
ઢોર માર માર્યો : આ અંગે યુવક દ્વારા કહેવામાં આવ્યું કે, આ બાબતને મને કંઈ જાણ નથી, એમાં હું કંઈ જાણતો નથી. ત્યારે એ લોકોએ ઉશ્કેરાય જઈને પાર્થને મા બહેન સામે ભૂંડી ગાળો બોલી હતી. ઉપરાંત જાતિવાચક અપમાન શબ્દો બોલ્યા અને ધોકા-લાકડી, પટ્ટા વડે પાર્થને ઢોર માર મારવામાં આવ્યો હતો. દોરડાથી પાર્થના બંને પગ બાંધીને તેને માર મારવાનું ચાલુ રાખ્યું હતું.
પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ મળેલ છે કે, જેમાં છ વ્યક્તિઓ દ્વારા તેને માર મારવામાં આવ્યો છે. તે બાબતને જાણતા તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા તેની એફઆઇઆર નોંધવામાં આવી છે. જેની અંદર 323, 324 અને એટ્રોસિટી કલમ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. -- અક્ષયરાજ મકવાણા (બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા)
ધમકી આપી આરોપી ફરાર : આરોપીઓએ પાર્થે ડીઝલ વેચ્યું છે જેવું કબુલ કરાવ્યું અને તેનો વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ ફરી બોલેરો કેમ્પસ ગાડીમાં તેને બેસાડીને નિકુલભાઇ ચૌધરી અને વિશ્વદીપ સચિન એના ઘરે મૂકી ગયા હતા. ઉપરાંત જાનથી મારી નાખીશું તેમ કહી ભાગી ગયા હતા. પાર્થને વધુ માર માર્યો હોવાથી તેના મમ્મી અને બહેને પૂછ્યું હતું કે, તને આ શું થયું છે. પાર્થ દ્વારા આ તમામ બનાવવાની વાત કરી હતી. ત્યારબાદ પાર્થને તેના મમ્મી અને તેના બહેન હોસ્પિટલ લઈ ગયા હતા. ઉપરાંત આ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાલમાં આ પાર્થની પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સમાજમાં ઉગ્ર રોષ : આ બાબતે સમાજ અગ્રણી જણાવ્યું હતું કે, અમને આ બાબતના સમાચાર મળ્યા એટલે તાત્કાલિક અમે પાલનપુર સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા છીએ. પાર્થ સાથે જે ઘટના ઘટી છે ખરેખર ખૂબ નિંદનીય છે. અમારી પોલીસને રિક્વેસ્ટ છે કે આરોપીઓ હજુ સુધી ધમકી આપી અને ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તો પોલીસ દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેથી અમારી પોલીસને વિનંતી છે કે, તાત્કાલિક ધોરણે જે પણ આરોપીઓ છે તેમની અટકાયત કરવામાં આવે અને તેમને કડકમાં કડક સજા કરવામાં આવે. ફરી કોઈ પણ વ્યક્તિ સાથે આવું ન કરે અને કોઈને એનો ભોગ ન બનવું પડે.
જિલ્લા એસપીની બાંહેધરી : બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ આ અંગે જણાવ્યું હતું કે, આ ઘટનાને અમે ખૂબ સખત શબ્દોમાં વખોડીએ છીએ, ખૂબ નીંદનીય ઘટના છે. આવું ન બનવું જોઈએ ત્યારે હું એક એસપી તરીકે આજે હોસ્પિટલમાં ગયો. તેના પરિવારને મળ્યો અને પાર્થને પણ મળ્યો. આશ્વાસન પણ આપ્યું છે કે, ટૂંક જ સમયમાં અમે આરોપીઓને ઝડપી પાડીશું. હાલમાં અમારા દ્વારા ટેકનિકલ એવિડન્સની તપાસ ચાલુ છે. અમારા દ્વારા અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. જેમાં ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી પાડી કડકમાં કડક સજા કરીશું અને ફરી આવી કોઈની સાથે ઘટનાના બને તેવા પગલાં ભરીશું.