- યાત્રાધામ ઢીમા ખાતે ધરણીધર ભગવાનને અન્નકૂટ ધરાવાયો
- દર મહિને પૂનમના દિવસે ધરણીધરનો મહામેળો ભરાય છે
- બહોળી સંખ્યામાં ભક્તોએ ધરણીધર ભગવાનના અને અન્નકુટના દર્શન કરી ધન્યતા અનુભવી
બનાસકાંઠા : જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી દેશ-વિદેશમાં પ્રચલિત થયેલા યાત્રાધામ ઢીમા ખાતે દર વર્ષે વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટ ધરાવવાની પરંપરા છે. આ પરંપરા મુજબ બેસતા વર્ષના દિવસે બપોરના સુમારે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
ધરણીધર ભગવાનના મંદિરમાં અન્નકુટ ધરાયો
બનાસકાંઠાનું મિની દ્વારકા તરિકે જાણીતું ઢીમા યાત્રાધામ આવેલું છે. જ્યાં ધરણીધર ભગવાનનું વર્ષો પૂરાણુ મંદિર આવેલું છે. આ મંદિરમાં ધરણીધર ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવે છે. ભક્તો ધરણીધર ભગવાનને શામળીયાના નામે પણ પૂજે છે. દર મહિને પૂનમના દિવસે ધરણીધરનો મહામેળો પણ ભરાય છે.
અન્નકુટનું મહાત્યમ
હિંદુ ધર્મની વાત કરીએ તો જ્યારે પ્રકૃતિ પર આપત્તિઓ આવી છે, ત્યારે કોઈને કોઈ સ્વરૂપે ભગવાને અવતાર ધારણ કર્યો છે. જ્યારે કૃષ્ણ અવતારમાં ભગવાને ગોવર્ધન પર્વત ધારણ કર્યો ત્યારે કેટલાક ગોવાળીયા ભગવાનની સાથે હતા. એ સમયે જે ગોવાળીઓની સાથે ભોજન લીધું હતું એ જ અન્નકુટ. જે પર્વને ભક્તો આજે પણ ઉજવી રહ્યા છે. જેથી કારતક સુદ એકમ(બેસતું વરસ)ના રોજ વાવ તાલુકાના ઢીમા ગામે ધરણીધર ભગવાનને અન્નકુટ ધરવામાં આવ્યો હતો. જેમાં કેટલાક પ્રકારની મીઠાઈની વાનગીઓ બનાવવામાં આવી હતી. જે વાનગીઓ ભગવાનને ધરવામાં આવી હતી. જ્યારે બહોળી સંખ્યામાં ભક્તોએ ધરણીધર ભગવાનના અને અન્નકુટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.