- સ્વ.પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિતે બનાસકાંઠા વહીવટીતંત્રે ભાંગરો વાટ્યો
- પ્રજા માટે 100ની પરવાનગી અને સરકારના કાર્યક્રમમાં 500 વ્યક્તિઓનું જમણવાર
- બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રની આ તે કેવી નીતિ
બનાસકાંઠાઃ સમગ્ર રાજ્યના 248 તાલુકાઓમાં આજે સ્વ.પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિતે સુશાશન દિવસ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂત કલ્યાણ થીમ પર યોજાયેલા કાર્યક્રમમાં બનાસકાંઠા વહીવટી તંત્રની પ્રજા અને સરકાર બન્ને માટેની અલગ-અલગ નીતિ છતી થઈ હતી. જેના લીધે સામાન્ય જનમાનસમાં તંત્રની છબી ખરડાઈ છે. જ્યારે લગ્ન કે કોઈ અન્ય પ્રસંગ માટે તો 100 વ્યક્તિની પરવાનગી અપાય છે પરંતુ પાલનપુરમાં સુશાશન દિવસ કાર્યક્રમમાં તંત્રે 500 વ્યક્તિઓનું આયોજન કર્યું હતુ.
કાર્યક્રમમાં ચેરમેન બળવંતસિંહ રાજપૂત રહ્યા હતા ઉપસ્થિત
બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે યોજાયેલા સુશાશન દિવસ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે ગુજરાત ઔદ્યોગીક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમની થીમ ખેડૂત કલ્યાણ યોજનાઓ પર રખાઈ હતી. જિલ્લા કલેકટર આનંદ પટેલ તેમજ બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજનાના લાભાર્થીઓને સાધન કીટ રૂબરૂમાં સ્ટેજ પર જ અપાઈ હતી.
બનાસકાંઠા વહીવટી તંત્રની ટીકા
આ સમગ્ર કાર્યક્રમમાં ઊડીને આંખે વળગે તેવી બાબત એ હતી કે, સરકાર પ્રજાને લગ્ન કે, અન્ય કાર્યક્રમોમાં માત્ર 100 વ્યક્તિઓની જ પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ બનાસકાંઠા વહીવટી તંત્રે પાલનપુર ખાતે આયોજિત કરેલા સુશાશન દિવસના કાર્યક્રમમાં 500 વ્યક્તિઓ એકઠા કરાયા હતા. તેમજ 500 વ્યક્તિઓના જમવાનું પણ આયોજન કરાયું હતું. વહીવટી તંત્રે જનતા અને સરકાર બન્ને માટે અલગ-અલગ નીતિ અપનાવતાં જિલ્લાની બુધ્ધિજીવી પ્રજામાં વહીવટીતંત્રની આ નીતિની ટીકા થઈ રહી છે.