ડીસાઃ બનાસકાંઠામાં થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ થયું છે. આ અકસ્માત ડીસામાં બનાસ નદી નજીક મહાકાળી મંદિર આગળ થયો હતો. જેમાં લોડિંગ અને ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 27 વર્ષિય ચાલક શ્રણવભાઈ રાવળ ગંભીર રીતે ઘાયલ થયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું કરૂણ મૃત્યુ થયું છે. પોલીસે મૃતકનું પીએમ કરાવીને મૃતદેહને વાલી વારસને સોંપ્યો છે.
સમગ્ર ઘટનાક્રમઃ દામા ગામના શ્રવણભાઈ રાવળ લોડિંગ વ્હીકલ લઈને ડીસા તરફ જઈ રહ્યા હતા. બનાસ નદી પાસે એક ટ્રેકટર રોડ પર ઊભું હતું. ટ્રેકટરના પાછળના ભાગે રીફ્લેક્ટર લાગેલ ન હોવાથી આ લોડિંગ વ્હીકલ ટ્રેક્ટરના પાછળના ભાગે ધડાકાભેર ટકરાયું હતું. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. જેમણે 108ને બોલાવી ઘાયલને સારવાર અર્થે રવાના કર્યો હતો. સારવાર દરમિયાન લોડિંગ ડ્રાયવરનું કરૂણ મૃત્યુ થયું છે. ડીસા પોલીસે મૃતકનું પીએમ કરાવી મૃતદેહને વાલીવારસને હવાલે કર્યો છે.
અનેક અકસ્માતોઃ બનાસકાંઠામાં હાલ મગફળીનો પાક માર્કેટયાર્ડમાં પહોંચવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેમાં ટ્રેક્ટર જેવા વ્હીકલમાં આ પાક માર્કેટયાર્ડ સુધી પહોંચાડાય છે. રાત દિવસ ચાલતા આ ટ્રેકટરોની ટ્રોલીના પાછળના ભાગે રીફ્લેક્ટર લગાડવામાં આવતા નથી. તેથી રાત્રિના સમયે અકસ્માતની સંભાવના વધી જાય છે.તેથી જ બનાસકાંઠામાં અવારનવાર ગમખ્વાર માર્ગ અકસ્માતો સર્જાય છે.
ગઈકાલ સાંજે અમને ડીસામાં બનાસ નદી પાસે ટ્રેક્ટર અને લોડિંગ ગાડી વચ્ચે અકસ્માત થયાના સમાચાર મળ્યા હતા. તાત્કાલિક ડીસા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ત્યાં દોડી ગયો હતો. ઘાયલ યુવકને તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે મૃતકનું પીએમ કરાવીને મૃતદેહને વાલી વારસાને સોંપ્યો છે. પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી છે...એસ.એમ. પટણી(PI, ડીસા તાલુકા પોલીસ સ્ટેશન)