બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લો એ ખેતી અને પશુપાલન પર આધારિત જિલ્લો છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પશુપાલન પર નિર્ભર છે અને વર્ષોથી ખેડૂતો ખેતી અને પશુપાલન કરી પોતાનું ગુજરાત ચલાવે છે. જ્યારથી બનાસ ડેરીની સ્થાપના થઈ છે ત્યારથી બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગામ સુધી દૂધના વ્યવસાયમાં સતત દિનપ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. એશિયામાં સૌથી વધારે દૂધ ભરાવતી 10 મહિલાઓ પણ બનાસકાંઠા જિલ્લાની છે, જે મહિલાઓ વાર્ષિક કરોડો રૂપિયાનું દૂધ ભરાવી સ્વનિર્ભર બની છે. એવામાં પશુપાલકોને આનંદો થાય એવી આ વાત છે.
દિયોદરમાં યોજાઇ બનાસ ડેરીની સાધારણ સભા : વર્ષ 2015થી બનાસ ડેરી પશુપાલકોને નિયમિત ભાવ વધારો આપી રહી છે. ત્યારે પશુ ઉત્પાદકો માટે દર વર્ષે નવો ભાવ વધારો મળે તેવા બનાસ ડેરીના પ્રયત્નોમાં આજે દિયોદરના બનાસ ડેરીના સણાદર પ્લાન્ટ ખાતે 20,000 જેટલા પશુપાલકોની હાજરીમાં સાધારણ સભા યોજાઇ હતી.
જે ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે 20.27 ટકા તેનાથી અમે ખુશ છીએ. અમને સંતોષ છે અને આજે ભાવ વધારો મળ્યો છે. એનાથી અમે હવે પશુઓ વધારે લાવી શકીશું અને પશુપાલન કરવા માટે જે સંસાધનોની જરૂર પડે એ અમે આમાંથી હવે વસાવીશું... રમીલા દેસાઈ (પશુપાલક મહિલા)
1852 કરોડ વધારો અપાયો : બનાસ ડેરી ચેરમેન શંકર ચૌધરીએ 1852 કરોડ દૂધના ભાવ વધારાની જાહેરાત કરી હતી. એટલે કે જિલ્લાના 5 લાખથી વધુ પશુપાલકો માટે 20.27 ટકા ભાવ વધારો જાહેર કર્યો છે. દૂધ મંડળીઓ માટે 100 કરોડ રૂપિયા ડિવિડન્ડ પેટે આપ્યા છે. જે પશુપાલક એક લાખ રૂપિયાનું દૂધ ભરાવશે એ પશુપાલકને 20 ટકા લેખે 20 હજાર રૂપિયા વધુ ભાવ વધારા પેટે મળશે. ડેરીના આ ભાવ વધારાથી પશુપાલકોમાં દિવાળી જેવો માહોલ છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આત્મનિર્ભરતાની એ અહીંયા બનાસની માતાબહેનોએ સાર્થક કરી છે. દૂધની કિંમત આપ્યા જે ભાવ ફેર આવે છે. પશુપાલક માતાબહેનોને તમામે તમામ એજન્ડા સર્વજનિક રીતે સામુહિક રીતે સર્વાનુમતે મંજૂર કરવાનું કામ દુનિયા માટે એક અલગ નાના નાના લાખો લોકો ભેગા થઈ પોતાનો વ્યવસાય કરી શકે સામૂહિક રીતે નિર્ણય કરી શકે. મને ગૌરવ છે કે લગભગ 20 ટકા જેટલો ભાવ વધારો કુલ મિલાવીને 25 ટકા જેટલો ભાવ વધારો લાખ રૂપિયાનું દૂધ ભરાવ્યું હોય તો 30 હજાર મળી શકે આ રીતે કિંમત મળી છે...શંકર ચૌધરી(ચેરમેન, બનાસ ડેરી)
ડેરી અને મંડળી બંને આપશે રુપિયા : લાખો પશુપાલકોને 20 ટકા ભાવ વધારો આપવાની જાહેરાત કરી છે અને અલગથી દૂધ મંડળીઓ પણ 6 ટકા જેટલો દૂધનો ભાવ વધારો આપશે એટલે કે પશુપાલક 1 લાખ રૂપિયાનું દૂધ ભરાવે તો બનાસડેરીથી 20 હજાર રૂપિયા અને દૂધ મંડળીથી 6 હજાર રૂપિયા પશુપાલકોને મળશે. બનાસ ડેરીએ સહકારિતાનું ઉદાહરણ આપી અને લાખો પશુપાલકોની જાહેર સંમતિથી તમામ એજન્ડા બેઠકમાં પસાર કર્યા છે.
પશુપાલકોનું હિત જાળવવા પ્રયાસ : પશુપાલકોની ઉતરોત્તર પ્રગતિ થાય અને પશુપાલકોનું હિત જળવાઈ રહે તેવા બનાસ ડેરી પ્રયત્નો કરી રહી છે. વર્ષ 2015 થી બનાસ ડેરી સતત દૂધનો ભાવ વધારો આપતી રહી છે ત્યારે આગામી સમયમાં પણ પશુપાલકોને બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ થકી વિવિધ કામો થકી પશુપાલકોને દૂધનો ભાવ વધારો મળી રહે તેવા પ્રયત્નો કરાશે. બનાસ મેડિકલ કોલેજમાં પશુપાલકોના 1 પૈસાની ભાગીદારીથી પશુપાલકોના સંતાનોની મેડિકલ ફી પચાસ ટકા લેવાય છે. જોકે આગામી સમયમાં પણ પશુપાલકોનું હિત એજ બનાસ ડેરીનું ધ્યેય હશે તેમ પણ આ તકે જણાવાયું હતું.