બનસકાંઠાઃ અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચેથી બાલારામ નદી વહે છે. બાલારામ નદીના કિનારે સર્જાતા પ્રાકૃતિક સોંદર્યના દ્રશ્યો તો બનાસકાંઠાની શાન છે. આ બાલારામ નદીના કિનારે બાલારામ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. પૌરાણિક મહત્વ ધરાવતા આ મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. દૂર દૂરથી ભક્તો આવીને બાલારામ મહાદેવ પાસે મનોકામના માગે છે.
એક લોકવાયકા મુજબ દુષ્કાળના સમયમાં લોકોને પાણી ન મળતા પોતાના જ બાળકોનું લોહી પી જતા હતા. આવા સમયે ઘણા પરિવારો પાણીની શોધમાં પોતાના બાળકો સાથે આ સ્થળે આવી પહોંચ્યા અને પોતાના બાળકોને આ સ્થળે ઘનઘોર જંગલમાં મૂકીને જતા રહ્યા હતા. આ સમયે નાના બાળકો પાણી માટે ટળવળી રહ્યા હતા. ત્યારે મહાદેવ ભોળાનાથે બાળકના સ્વરૂપમાં આવી આ બાળકોને પાણી પીવડાવ્યું અને તેમને જીવતદાન આપ્યું હતું.
લાંબા સમય બાદ આ બાળકોના પરિવારો ત્યાં આવ્યા તો પોતાના બાળકોને તંદુરસ્ત અને જીવિત જોયા. આજુબાજુ જોતા ત્યાં પાણી પસાર થઈ રહ્યું હતું. બસ તે જ દિવસે અહીંથી એક સ્વયંભુ શિવલિંગ પ્રગટ્યું અને તેમાંથી પાણીની ધારા સતત વહ્યા કરે છે. આ પાણી ક્યાંથી અને કેવી રીતે આવે છે, તેનું રહસ્ય હજૂ સુધી કોઈ શોધી શક્યું નથી.
ભગવાન મહાદેવ બાળ સ્વરૂપમાં આવતા આ જગ્યાનું નામ બાલારામ પડ્યું હતું. બાલારામ મંદિરમાં આવેલી શિવલીંગ પર ચોવીસ કલાક અવિરત જળનો અભિષેક થાય છે. ત્યારે દર વર્ષે શ્રવણ માસમાં ભગવાન ભોળાનાથના ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે, પરંતુ આ વર્ષે કોરોના વાઈરસની મહામારીને કારણે આ મંદિરમાં ભગવાન ભોળાનાથના ભક્તોની પાંખી હાજરી જોવા મળી છે.
બાલારામ મહાદેવના ધામમાં આમ તો દરરોજ ભક્તોની ભારે ભીડ જામે છે, પરંતુ શિવરાત્રી અને શ્રાવણ માસમા લોકો દુર દુરથી દર્શનાર્થે માટે આવતા હોય છે. બાલારામ મહાદેવ પર લોકોને ભારે આસ્થા હોવાથી ગુજરાત અને ગુજરાત બહારના પણ ભક્તો સોમવારે આવી મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભુતિ કરે છે.
કેટલાક ભક્તો પગપાળા પણ અહીં આવીને મહાદેવના દર્શન કરે છે. ત્યારે હાલમાં ચાલી રહેલા પવિત્ર શ્રવણ માસમાં ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ બાલારામ મંદિરે આવતા ભક્તો ફરજિયાત માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દર્શન કરે છે.
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તો અહીં આવીને મહાદેવના શિવલિંગ અને પોઠિયા પર બીલીપત્રો ચડાવે છે. કહેવાય છે કે, અહીં ભગવાને બાળ સ્વરૂપમાં દર્શન આપ્યા હોવાથી નિઃસંતાન દંપતી માનતાથી તેમને સંતાન પ્રાપ્તિ પણ થાય છે. મહાદેવના વાહન સમાન પોઠિયાના કાનમાં બોલવાથી પણ મનોકામના પૂર્ણ થવાની આસ્થા છે. બાલારામ મહાદેવના પરચાઓ જગવિખ્યાત છે. અનેક ભક્તોના દુઃખ મહાદેવે દૂર કર્યા હોવાથી લોકોને મહાદેવ પર અતૂટ આસ્થા રહેલી છે.
એક ભક્ત દ્વારા આ મંદિરમાં 255 કિલોનો ઘંટ અર્પણ કરવામાં આવ્યો છે. આ ઘંટના અવાજથી આજુબાજુનું વાતાવરણ સંગીતમય બની જાય છે. કપરા જળ સંકટ અને દુષ્કાળમાં પણ શિવલિંગના ગૌ મુખમાંથી અવિરત પાણી વહેતુ રહે છે અને તેનું પાણી સીધુ જ શિવલિંગ પર જળાભિષેક કરે છે.
બાળ શિવના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દુર થતા હોવાની આસ્થાને કારણે લોકો મોટી સંખ્યામાં બાધા રાખે છે. બાલારામ નદીમાં સ્નાન સાથે પૂજાનો પણ વિશેષ મહિમા રહેલો છે. રમણીય સ્થળ હોવાના કારણે બાલારામ મહાદેવમાં પીકનીક મનાવવા પણ વરસે દહાડે લોકો આવે છે. દર વર્ષે લાખો ભક્તો ચમત્કારી બાલારામ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.