- ડીસામાં 3 મહિના પહેલા બનેલો મુખ્યમાર્ગ એક જ વરસાદમાં ઉખડી ગયો
- ગેરરીતી મામલે રજુઆત કરવા છતાં કોઈજ કાર્યવાહી ન થઈ
- લાખો રૂપિયાના ખર્ચે બનેલો રોડ તૂટી જતા કોન્ટ્રાક્ટર અને સરકારી બાબુઓની ગેરરીતિ બહાર આવી
- તમામ રસ્તાઓ સારા બનાવવા લોક માંગણી
બનાસકાંઠા: વેપારીમથક ડીસા શહેરમાં ત્રણ મહિના પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો રોડ સામાન્ય વરસાદમાં જ ઉખડી ગયો હોવાની ઘટના સામે આવી છે. નવીન બનેલા મુખ્ય માર્ગનો ડામર ઉખાડી જતા કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી સામે આવતા લોકોમાં રોષ ફેલાયો છે.
આ પણ વાંચો: વલસાડ જિલ્લામાં 2 દિવસથી સામાન્ય વરસાદ, રસ્તાઓ પર ખાડામાં પાણી ભરાયા
વરસાદમાં રસ્તાઓ ધોવાયા
ડીસા શહેરમાં ત્રણ મહિના પૂર્વે જ બનાવવામાં આવેલ મુખ્ય માર્ગનો ડામર સામાન્ય વરસાદમાં ઉખડી જતા વાહનચાલકો અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડીસાના હાર્દ સમા ગાયત્રી મંદિરથી ફુવારા સર્કલ સુધી 25 લાખ રૂપિયાના ખર્ચે ડામર રોડ બનાવવામાં આવ્યો છે. જો કે આ રોડ બની રહ્યો હતો તે સમયે હલકી ગુણવત્તાવાળું કામ થતું હોવાનું નગરસેવક અને જાગૃત લોકો એ ફરિયાદ કરી હોવા છતાં પણ પાલિકાના સત્તાધીશોએ આ બાબતે આંખ આડા કાન કર્યા હતા. નગરપાલિકાના જનરલ બોર્ડમાં પણ પાલિકાના જ સદસ્યો એ આ રોડ ના કામમાં ગેરરીતિ મામલે સવાલ ઉઠાવ્યા હતા તેમ છતાં પણ ભ્રષ્ટાચાર માં ડૂબેલા સત્તાધીશોએ ફરિયાદને ધ્યાને ન લેતા આખરે સામાન્ય વરસાદમાં જ આ રોડનો ડામર ઉઠી ગયો છે.
લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર
ડીસા શહેરમાં ચાલુ વર્ષે સામાન્ય વરસાદમાં જ શહેરના અનેક રસ્તાઓ તૂટી ગયા છે. જેના કારણે વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ડીસા શહેરના સાઈબાબા મંદિરથી જલારામ મંદિર સુધી નજીવા વરસાદમાં જ અનેક જગ્યાઓ પર ખાડાઓ પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. દર વર્ષે વરસાદમાં રસ્તા પર મોટા મોટા ખાડા પડી જાય છે અને નગરપાલિકા દ્વારા માત્ર રસ્તા ઉપર થીગડાઓ મારી રીપેરીંગ કરવામાં આવે છે. જેના કારણે દર વર્ષે ફરીથી આ રસ્તાઓ તૂટી જાય છે. આજે પણ સામાન્ય વરસાદમાં અનેક જગ્યાઓ પર ખાડા પડ્યા હતા જેના કારણે અને ગાડીઓ ખાડાઓમાં પડી ગઈ હતી. જેના કારણે વાહનચાલકોએ કલાકો સુધી મુશ્કેલી ભોગવવી પડી હતી.
આ પણ વાંચો: વાપીમાં ચોમાસામાં બિસ્માર બનેલા માર્ગોથી વાહનચાલકો પરેશાન
ચીફ ઓફિસરનું નિવેદન
જો કે, સામાન્ય વરસાદમાં જ લાખો રૂપિયાના ખર્ચે બનેલો રોડ ઉખડી ગયો હોવા છતાં પણ ઓફિસર કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા હોય તેમ કેમેરા સામે જણાવી રહ્યા હતા. ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીએ જણાવ્યું હતું કે, આ રોડ ગેરરીતિ ને કારણે નહીં પરંતુ રોડ નીચે રહેલી પાઇપલાઇન લીકેજ થવાના કારણે તૂટી ગયો છે. એક તરફ ડીસાના નગરજનોએ આ રોડ બનવા માટે 4 વર્ષ સુધી રાહ જોઈ છે અને રોડ બન્યાના માત્ર 3 મહિનામાં જ તૂટી ગયો છે જેથી રોડની ગુણવત્તા કેટલી હશે તે આ ઘટના પરથી જાણી શકાય છે.