- ધાનેરામાં પ્રેમલગ્નની અદાવતમાં યુવકના પરિવારજનો પર હુમલો
- હુમલો કરનાર તમામ લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
- પત્નીના પરિવારના 10 લોકોએ પતિના પરિવાર પર કર્યો હુમલો
બનાસકાંઠા: ધાનેરા તાલુકાના જાડી ગામે પ્રેમલગ્નની અદાવતમાં યુવકના પરિવારજનો પર હુમલો કરતા ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી છે. જેમાં જાડી ગામે રહેતા મોહનભાઈ પટેલે ડુગડોલ ગામે રહેતા ઉમાભાઈ પટેલની પુત્રી સાથે છ મહિના અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. જેની અદાવત રાખી યુવતીના પિતા ઉમાભાઈ પટેલ સહિત 10 જેટલા લોકો સ્કોર્પિયો ગાડી અને સ્વિફ્ટ ગાડી લઈને જાડી ગામે આવ્યા હતા. જ્યાં મોહનભાઈ પટેલના ઘરમાં ઘુસી જઈ પરિવારજનો અચાનક તલવાર અને ધોકા વડે હુમલો કર્યો હતો અને હુમલો કરવા આવેલી ટોળકીએ મોહનભાઇના પિતારાઈભાઈ પ્રકાશના ગળામાંથી સોનાના દોરાની લૂંટ કરી તેને ગાડીમાં નાખી ઉઠાવી જવાની કોશિશ કરી હતી. હુમલામાં મોહનભાઈ પટેલના પિતરાઇ ભાઇઓ સહિત ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવતા હુમલો કરનારા શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. જ્યારે તલવારના ઘા વાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ત્રણેય લોકોને સારવાર માટે ધાનેરાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે અને હુમલો કરનાર યુવતીના પિતા સહિત દસ લોકો સામે ફરી ફરિયાદ નોંધાવતાં ધાનેરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:ડીસામાં પ્રેમ લગ્ન કરનાર દંપતી પર યુવતીના પરિવાજનોએ કર્યો હુમલો
ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા લોકોની માગ
બનાસકાંઠા જિલ્લામાં સતત વધી રહેલા ગુનાહિત પ્રવૃત્તિઓ ની ઘટનાને લઇ હાલમાં લોકોમાં પણ ભય જોવા મળી રહે છે ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આવી ગુનાહિત ઘટના ઓને અંજામ આપતા ગુનેગારો સામે કડકમાં કડક સજા કરવામાં આવે તો આવનારા સમયમાં વારંવાર બનતી આવી ગુનાહિત પ્રવૃત્તિઓની ઘટનાઓ અટકી શકે તેમ છે. તેથી ધાનેરાના જાડી ગામના લોકોએ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.