- બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની ઘટના
- જૈન સંપ્રદાયની 825 વર્ષ જૂની મૂર્તિ મળી આવી
- આ મૂર્તિ જૈન શ્વેતામ્બર પંથના ઈષ્ટ દેવની હોવાનું સામે આવ્યું
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના દાંતા નજીક વશી ગ્રામ પંચાયત હેઠળના દીવડી ગામની સીમમાં ચામુંડા માતાનું પ્રાચીન મંદિર આવેલું છે. જ્યાં જૈન ધર્મની 825 વર્ષ જૂની બે પૌરાણિક મૂર્તિઓ સહિત પૌરાણિક અવશેષો મળી આવ્યા છે. ચામુંડા માતા મંદિર વિસ્તારમાં શ્રદ્ધાળુઓ માતાજીના સુખરૂપ દર્શન કરી શકે અને મંદિર સુધી પહોંચી શકે તે માટે જમીન સમતળ કરવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન સંવત 1254ની લગભગ 825 વર્ષ જૂની 2 પૌરાણિક મૂર્તિ સહિતના અવશેષો મળી આવી છે. આ મૂર્તિ જૈન શ્વેતામ્બર પંથના ઈષ્ટ દેવની હોવાનું સામે આવ્યું છે.
જિનાલયના તૂટેલા ઘુમ્મટ સહિતના અવશેષો મળી આવ્યા
જૈન સંપ્રદાયની ચાર ફૂટ જેટલી ઉંચી મૂર્તિઓ સહિત જૂની ઈંટો, જિનાલયના તૂટેલા ઘુમ્મટ સહિતના અવશેષો મળી આવ્યા છે. જેને લઈને સ્થાનિકોમાં પણ કુતુહલ જોવા મળ્યું છે. લોકવાયકા મુજબ અહીંનું ચામુંડા માતાનું મંદિર અતિ પ્રાચીન છે. જેનો જીર્ણોધ્ધાર પણ તત્કાલીન મહારાણા ભવાનીસિંહજીએ અંદાજે 90 વર્ષ પૂર્વે કર્યો હતો. મૂર્તિઓનું જીણવટભર્યુ નિરીક્ષણ કરતા સંવત 1254 એટલે કે લગભગ 825 વર્ષ જૂની હોવાનું અને શ્વેતામ્બર જૈન ભગવાનની મૂર્તિ હોવાનું જાણવા મળ્યુ છે. જેને લઈને ગામના અગ્રણીઓ પણ ગામમાં જ આવી પુરાતન વસ્તુઓનું સગ્રહાલય બનાવવા માગ કરી રહ્યા છે.
મૂર્તિ જૈન શ્વેતામ્બર પંથના ઈષ્ટ દેવની હોવાનું સામે આવ્યું
જોકે આ સમગ્ર મામલે આજે તાલુકાની અધીકારીઓની એક ટીમ વશી દીવડી ગામે પહોચી સ્થળની મુલાકાત કરી મુર્તીઓનું નિરીક્ષણ કર્યુ હતું. એટલુંજ નહીં જૈન ધર્મની મુર્તીઓ ઉપર પુષ્પો પણ ચઢાવ્યા હતા અને સાથે જે જગ્યાએ ખોદકામ દરમિયાન મુર્તીઓ મળી આવી છે ત્યાં અન્ય અવશેષો જોતાં જૈન સ્થાપત્યનું મંદિર ધરબાયેલું હોવાનું જણાવી રહ્યાં છે. તાલુકાના ઉચ્ચ અધીકારીઓ દ્વારા સ્થળ અને સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ મૂર્તિઓને હાલ વશી ગ્રામ પંચાયતના પ્રાંગણમાં રાખવામાં આવી છે.