બનાસકાંઠા: જિલ્લામાં 20 ઓગસ્ટના રોજ થરાદ નગરપાલિકાના પ્રમુખ અને ઉપ-પ્રમુખની બીજા ટર્મની ચૂંટણી યોજાશે. જે પૂર્વે જ ભાજપ અને કોંગ્રેસે રાજકીય કાવાદાવા શરૂ કરી દીધા છે. જેમાં કોંગ્રેસે તેના સભ્યો સહિત તેને ટેકો આપનારા ભાજપના મહિલા સભ્યને પણ સહેલગાહે મોકલી દીધા હતા. ભાજપના સભ્યએ વિદ્રોહ કરતા ખિજાયેલા ભાજપે મહિલા સભ્ય કાંતાબેન પરમારનું અપહરણ થયું હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી હતી. જો કે, આ મહિલા સભ્ય પોતાના પતિ સાથે માઉન્ટ આબુ ફરવા ગયા હોવાનો રદિયો આપ્યો હતો અને ભાજપે આ ફરિયાદ ખોટી કરી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત મંગળવારે ભાજપના મહિલા સભ્ય કાંતાબેન પરમાર સહિત બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્યો અને મોવડીમંડળ કલેક્ટર કચેરીએ ધસી આવ્યા હતા અને ભાજપે કિન્નાખોરી રાખી સાંસદ સભ્ય પરબત પટેલના દબાણથી પોલીસે અપહરણની ખોટી ફરિયાદ કરી હોવાની રજૂઆત કલેક્ટર સમક્ષ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, થરાદ નગરપાલિકામાં અત્યારે 12 ભાજપના સભ્ય છે, જ્યારે કોંગ્રેસ અને અપક્ષ પાસે 8- 8 સભ્યો છે. હાલમાં નગરપાલિકામાં ભાજપ સત્તા રૂઢ છે. જો કે, હવે બીજી ટર્મ રાજકીય દાવપેચ રમી કોંગ્રેસ સત્તા આંચકી લેવામાં સફળ થાય છે કે, ભાજપ ફરીથી સત્તા રૂઢ થાય છે તે જોવું રહ્યું.