બનાસકાંઠાના સોયલા ગામના લોકોએ પ્રાચીન એવા આંટી ગરબાની 100 વર્ષ જૂની પરંપરા યથાવત રાખી છે. આજે પણ આ ગામમાં પ્રાચીન વેશભૂષામાં પુરૂષો માતાજીના ગરબા ઘૂમે છે. આ ગરબામાં નથી કોઈ મ્યુઝિક સિસ્ટમ કે, નથી કોઈ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવતો, માત્ર ભક્તિમય માહોલમાં દેશી પદ્ધતિથી માતાજીની આરાધના થાય છે.
આધુનિક યુગમાં પ્રાચીન ગરબાનું મૂલ્ય ગ્રામ્ય વિસ્તારોમાં જળવાઈ રહ્યું છે, તે આ સોયલાના ગ્રામજનો સુચવે છે. સોયલા ગામમાં થતી નવરાત્રી કંઈક ખાસ છે, ગામના એક-બે મોભી કોઈપણ સંગીત વગર મોઢેથી ગરબા ગાય છે અને ખેલૈયાઓ તેને દોહરાવે છે. કોઈપણ પ્રકારના આધુનિક ઉપકરણોના સંગીત વગર માત્ર માઈક પર ગાઈને ગરબા રમે છે. ખેલૈયાઓની તાળીઓનો નાદ પણ વાતાવરણમાં અનોખો જોશ પેદા કરે છે. આજે પણ આ વિસ્તારમાં પુરુષ ખેલૈયાઓ આપણા ભુલતા જતા દેશી પ્રાચીન ગરબાની પરંપરા જાળવી રાખી છે. તેથી જ આ ગરબા જોવા આજુબાજુના ગામમાંથી લોકો બહોળી સંખ્યામાં ઉમટે છે.