- ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા તખતપુરા ગામની મહિલાની અનોખી કહાની
- નથી કોઈ અભ્યાસ કે નથી કોઈ ડિગ્રી, તેમ છતાંય હજારો મહિલાઓની કરાવી છે પ્રસૂતિ
- સરહદી વિસ્તારમાં હોસ્પિટલની સુવિધા ન હોવાથી તળસીબેન કરાવે છે મહિલાઓની પ્રસૂતિ
બનાસકાંઠા : ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા તખતપુરા સહિત આસપાસના ગામોમાં કોઈ હોસ્પિટલ ન હોવાથી આજે પણ ત્યાંના સ્થાનિક લોકોને સારી સારવાર લેવા માટે દૂર દૂર સુધી જવું પડે છે. આમ તો સામાન્ય રીતે દરેક મહિલાઓની પ્રસૂતિ કોઈ હોસ્પિટલમાં પ્રશિક્ષિત ડોક્ટર્સ દ્વારા જ કરવામાં આવતી હોય છે, પરંતુ છેલ્લા 25 વર્ષથી તખતપુરા તેમજ આસપાસના ગામોમાં મોટાભાગની મહિલાઓએ પ્રસૂતિ કરાવવા માટે હોસ્પિટલમાં જવું પડ્યું નથી. જેનું કારણ છે, તખતપુરા ગામના તળસીબેન ચૌહાણ. તળસીબેન ચૌહાણે ન તો કોઈ અભ્યાસ કર્યો છે કે નથી તેમની પાસે કોઇ ડૉક્ટરની ડિગ્રી. તેમ છતાંય આજે સરહદી વિસ્તારના અનેક ગામોમાં તેઓ મહિલાઓની પ્રસૂતિ કરાવી રહ્યા છે. 20 વર્ષની ઉંમરે પોતાના ગામની જ એક મહિલા પાસેથી પ્રસૂતિ કરાવવાનું શીખ્યા બાદ તેઓ આજ દિન સુધી તખતપુરા તેમજ આસપાસના અનેક ગામોની મહિલાઓ માટે ડોક્ટર બની ગયા છે.
પોતાની પ્રસૂતિ પણ જાતે જ કરી
તખતપુરા ગામમાં રહેતા તળસીબેનનો જન્મ વર્ષ 1965માં એક સામાન્ય પરિવારમાં થયો હતો. તળસીબેન 20 વર્ષના થયા ત્યારે તેમના લગ્ન તખતપુરા ગામના ધનજીભાઈ ચૌહાણ સાથે કરવામાં આવ્યા હતા. જ્યારબાદ તેમને સંતાનમાં એક દીકરી અને બે દીકરાનો જન્મ થયો હતો. તખતપુરા ગામના તળસીબેનના લગ્નજીવન બાદ તેમને પ્રથમ વખત પ્રસૂતિનો સમય હતો. ત્યારે તખતપુરા ગામમાં તેમજ આસપાસના ગામડાઓમાં હોસ્પિટલની કોઈ સુવિધા ન હોવાથી તેમણે પોતાની પ્રસૂતિ કોઈ ડોક્ટર પાસે કે હોસ્પિટલમાં નહીં, પરંતુ પોતાના ઘરે જાતે જ કરી હતી. હાલમાં તળસીબેનની ઉંમર 56 વર્ષની છે. તેમ છતા પણ દિવસ રાત જોયા વગર તેઓ આસપાસના અનેક ગામોમાં જઈને મહિલાઓની પ્રસૂતિ કરાવી રહ્યા છે.
મહિલાઓ માટે વિનામૂલ્યે પ્રસૂતી
તળસીબેન ચૌહાણ પ્રશિક્ષિત ડોક્ટર ન હોવા છતાં પણ તેઓ મહિલાઓની પ્રસૂતિ કરાવવા માટે તખતપુરા તેમજ આસપાસના અનેક ગામોમાં વખણાઈ રહ્યા છે. આ ગામની મહિલાઓનું માનીએ તો છેલ્લા 30 વર્ષથી તળસીબેન મહિલાઓને પ્રસૂતિ કરાવી રહ્યા છે. ગામમાં જ્યારે પણ કોઈ મહિલાને પ્રસવપીડા ઉપડે તો તળસીબેન દિવસ-રાત જોયા વગર તરત હાજર થઈ જાય છે અને કોઈપણ પ્રકારની તકલીફ વગર મહિલાઓને સારી રીતે પ્રસૂતિ પણ કરાવી રહ્યા છે. તળસીબેને અત્યાર સુધી 1500થી વધારે મહિલાઓની પ્રસૂતિ કરાવી છે. તેમ છતાં પણ એક પણ બાળકનો કેસ તેમના હાથે બગડ્યો નથી. પ્રસૂતિ કરાવવા માટે તેઓ કોઈપણ પ્રકારના પૈસા પણ લેતા નથી. જેના કારણે તખતપુરા સહિત ભારત-પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલા અનેક ગામોમાં લોકો તેમને ડોક્ટર તરીકે ઓળખી રહ્યા છે.
જરૂરિયાતના તમામ સામાનની એક પેટી
તળસીબેનને ક્યારેય પણ પ્રસૂતિ માટે બોલાવવામાં આવતા હોવાથી તેઓ જરૂરિયાતનો તમામ સામાન એક પેટીમાં રાખે છે અને તેમને બોલાવવામાં આવતા તેઓ જાણે કોઈ ડોક્ટર જ મહિલાને પ્રસૂતિ કરવા માટે આવ્યા હોય તેમ પહોંચી જાય છે. તળસીબેનનું માનવું છે કે, તખતપુરા ગામમાં મહિલાઓને પ્રસૂતિ કરાવવા માટે કોઈ સુવિધા નથી. જેના કારણે હું છેલ્લા ઘણા વર્ષોથી તખતપુરા ગામમાં તેમજ અન્ય ગામોમાં મહિલાઓને પ્રસૂતિ કરાવી રહી છું. હાલમાં મહિલાઓની પ્રસૂતિ થઈ રહે અને સ્થાનિકોને સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ બનાવવામાં આવશે. જેના કારણે હવે ધીમે ધીમે મહિલાઓ દવાખાના તરફ પણ જશે, પરંતુ મારા 56 વર્ષના જીવનકાળ દરમિયાન મારા હાથે અનેક મહિલાઓને પ્રસૂતિ કરાવી છે અને આજ દિન સુધી એક પણ મહિલાનો કે બાળકનો કેસ ખરાબ થયો નથી.
સરહદી વિસ્તારમાં તબીબી સારવારની અભાવ
આમ તો સરકાર આરોગ્યલક્ષી મોટી મોટી વાતો કરી રહી છે, પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં દવાખાનાઓ તો આવેલા છે પરંતુ ત્યાં સ્ટાફની અછત હોવાથી અનેક દવાખાનાઓ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આજે પણ સ્થાનિક લોકોએ સારવાર લેવા માટે દૂર દૂર સુધી શહેરી વિસ્તારોમાં જવુ પડે છે. જેના કારણે લોકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે. ગુજરાત સરકાર દર વર્ષે છેવાડાના માનવી સુધી આરોગ્યની સારી સુવિધા મળી રહે તે માટે લાખો કરોડો રૂપિયા વાપરે છે, પરંતુ બનાસકાંઠાના અનેક ગામો સ્વાસ્થ્ય સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે. ત્યારે સરહદી વિસ્તારોમાં સરકાર દ્વારા લોકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે સારી હોસ્પિટલો અને સ્ટાફ મૂકવામાં આવે તો લોકોને ઘણી રાહત થઇ શકે છે.