- અનાથ બાળકને અમેરિકન માતા-પિતા મળતાં બાળકને મળશે નવું નામ
- બનાસકાંઠા વહીવટી તંત્રની હાજરીમાં કાર્યક્રમ યોજાયો
- વર્ષ 2019માં બાળકને તરછોડવામાં આવ્યું હતું
બનાસકાંઠા: પાલનપુરના અનાથ આશ્રમમાં રહેતા એક બાળકને અમેરિકન દંપતીએ દત્તક લેતા તે હવે અમેરિકામાં રહેશે. આ બાળકનું નામ નીરજ છે. 20 માર્ચ 2019ના રોજ રાત્રે 8.30 કલાકે પાલનપુર ખાતે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થાના મુખ્ય ગેટ આગળ રાખવામાં આવેલા પારણામાં કોઇ અજાણી વ્યક્તિ કુમળા ફુલ જેવા નવજાત બાળકને મુકીને જતી રહી હતી. જેની જાણ સંસ્થાના કર્મચારીને થતાં તાત્કાલીક ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેનને જાણ કરવામાં આવી અને બાળકને સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયું હતું. સંસ્થા દ્વારા તે સમયે આ અનાથ બાળકનું નામ નીરજ પાડવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: કોરાનાકાળમાં અનાથ બનેલા બાળકોના ડેટા કલેક્શનની કામગીરીનો આરંભ
બાળકને અનેક સારવાર આપી સ્વસ્થ કરાયું હતું
જન્મ સમયે બાળક નીરજનું વજન માત્ર 900 ગ્રામ હોવાથી તેને 20 માર્ચ 2019થી 15 એપ્રિલ 2019 એટલે કે 27 દિવસ સુધી સઘન સારવાર આપવામાં આવી હતી. તેના માથાનો ભાગ થોડો મોટો હોવાથી MRI કરાવી વિવિધ પ્રકારના મેડીકલ ટેસ્ટ પણ કરાવ્યા હતા. મેડીકલ ટેસ્ટ અને સારવાર કરાવતાં ખબર પડી કે બાળક નીરજનો જન્મ અધુરા માસે થયેલો હોવાથી મગજના લકવાની બિમારી છે. તેથી આ બાળકને સ્પેશ્યલ નીડ જાહેર કરવામાં આવી હતી.
અનાથ બાળકને અમેરિકન દંપત્તિએ લીધુ દત્તક
બાળક નીરજને ચાઇલ્ડ વેલ્ફેર કમિટી દ્વારા લીગલી ફ્રી ફોર એડોપ્શન જાહેર કરતાં દત્તક આપવાની પ્રક્રિયા માટે મૂકવામાં આવ્યું હતું. બાળક નીરજ સ્પેશ્યલ નીડ બાળક હોવાથી ગાઇડલાઇન મુજબ ઇન્ટરકન્ટ્રી એડોપ્શન માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં અમેરિકાના દંપતિ લોરીઅન્સ ઓલીવર વોઘન અને તેમની પત્ની મેડલીન ડોરી વોઘને બાળક નીરજને દત્તક લેવા માટે પસંદ કર્યુ હતું. આ બાળક નીરજનું નવું નામ જોશિયા નીરજ બોઘન રાખવામાં આવ્યું છે. બાળક દત્તક આપવા અંગેની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જેનું આ દુનિયામાં કોઇ નહોતું તેને નવા માતા-પિતા, નવા દેશ સાથે નવી જિંદગી મળી છે.
આ પણ વાંચો: અનાથ બાળકને કોરોના થતા SVP હોસ્પિટલના સ્ટાફે સારવાર સાથે આપી પરિવારની હૂંફ
કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી એસ.ડી.ગિલવા, ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના અધ્યક્ષ અનિકેત ઠાકર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ.કે.જોષી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ર્ડા. એન.વી.મેણાત, કમિટીના સભ્ય ચેતનાબેન ઠક્કર અને બનાજી રાજપૂત સહિત સંસ્થાના બાળકો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.