અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન અનુસાર મેળામાં યાત્રિકોને સરળતાથી જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવામાં આવી છે. અંબાજીમાં ચોમેર સરસ સ્વચ્છતા અને મેળામાં દોડતી મોટાભાગની એસ.ટી.બસો નવિન જોઇને યાત્રિકોને આનંદ થયો છે. કલેકટરના આ અભિગમની લોકોએ સરાહના કરી છે. અંબાજીમાં ઉમટતા લાખો માઇભક્તોને પરત ઘેર જવામાં સરળતા રહે તે માટે એસ.ટી. તંત્ર દ્વારા 1100 જેટલી બસો ચલાવવામાં આવે છે. આવી સરસ સુવિધાને લીધે યાત્રીકો કાયમી સંભારણા સાથે પોતાને વતન સરળતાથી પાછા ફરી રહ્યા છે. મંદિર પરિસરમાં દર્શન માટે બે રેલીંગની સરસ સુવિધાઓ હોવાથી યાત્રિકોને લાંબો સમય લાઇનમાં ઉભા રહેવું પડતુ નથી.
ગબ્બર મુકામે પણ યાત્રિકોની વિશાળ સંખ્યા જોવા મળે છે. માતાજીના મૂળ પ્રાગટ્ય સ્થાન મનાતા ગબ્બર મુકામે નિર્માણ કરવામાં આવેલ 51 શક્તિપીઠોના દર્શનનો લ્હાવો એક જ સ્થળે મળે છે, જેનાથી માઇભક્તો ધન્ય બની રહ્યા છે. અંબાજી મંદિર પરિસર અને સમગ્ર અંબાજીમાં જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા રોશની અને લાઇટીંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવતા અંબાજી તીર્થ સ્થાનની ભવ્યતા અને સુંદરતામાં ચાર ચાંદ લાગ્યા છે. રોશનીને લીધે અંબાજી મંદિરની ભવ્યતા નિહાળી માઇભક્તોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી છે. યાત્રિકો સરળતાથી દર્શન કરી શકે તેમજ પ્રસાદ વગેરે મેળવી શકે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં સારી સુવિધાઓ ઉપલબ્ધ છે. દૂર-દૂરથી પદયાત્રા દ્વારા ચાલીને આવતા ઘણા યાત્રિકો ભક્તિભાવપૂર્વક મંદિર પર ધજા ચડાવી ધન્ય બનતા જોવા મળે છે. ચાચર ચોકમાં બોલ માડી અંબે, જય જય અંબેના જયઘોષ સતત ગુંજી રહ્યા છે. અંબાજીમાં ભક્તિભર્યા ભવ્ય માહોલની જમાવટ થઇ છે.
અંબાજી મહામેળા પ્રસંગે યાત્રિકોને જરૂરી સુવિધાઓ આપવા કલેકટર સંદીપ સાગલેના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેવાભાવ સાથે યાત્રિકોને સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. સ્વચ્છતા, આરોગ્ય, પીવાના પાણીની સુવિધા, વિસામાકેન્દ્રો, સુરક્ષા, લાઇટીંગ, પરિવહન અને પાર્કિંગ, વિનામૂલ્યે ભોજન, દૂધ વિતરણ, સરળતાથી સારા દર્શન કરવાની સુવિધા સહિત તમામ વ્યવસ્થાઓ યાત્રિકોને સારી રીતે ઉપયોગી નિવડી રહી છે. લાખોની સંખ્યામાં યાત્રિકો આવવા છતા પણ અંબાજી મુકામે અને રસ્તાઓ ઉપર સારી સ્વચ્છતા જોવા મળે છે.
અંબાજી મહામેળા પ્રસંગે લાખોની સંખ્યામાં યાત્રિકો સાત દિવસ દરમિયાન દૂરદૂરથી યાત્રાધામ અંબાજીમાં આવે છે. આ પ્રસંગે રસ્તાઓ ઉપર અને સમગ્ર અંબાજીમાં સતત વીજ પુરવઠો જાળવવાની પ્રશંસનીય કામગીરી યુ.જી.વી.સી.એલ પાલનપુરના સુપ્રિટેન્ડર એન્જીનિયર એલ.એ.ગઢવીના નેતૃત્વમાં તેમની સમગ્ર ટીમ દ્વારા રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવી રહી છે.
મેળા પ્રસંગે પદયાત્રિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ આપવા માટે બનાસકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહ દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. અંબાજી કોટેજ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર દાંતા ખાતે 9 નિષ્ણાંનત ડોકટરો જેમાં ઓર્થોપેડીક, સર્જન, ફીઝીશીયન, પીડીયાટ્રીશીયન, એનેસ્થેટીક ડોકટરો તેમની ટીમ સાથે ઉપલબ્ધ છે. અંબાજી જતા રસ્તાઓ પર 31 સ્થળોએ સારવાર સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે. ઇમરજન્સી 108 અંતર્ગત 10 સ્થળોએ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ છે. મેડીકલ ઓફીસર, ફાર્માસીસ્ટ, સ્ત્રી આરોગ્ય કાર્યકર સહિત 168નો તબીબી સ્ટાફ કાર્યરત છે.
મહામેળા પ્રસંગે અધિકારીઓ સાથે અંબાજી ગામે સફાઇ કરી કલેકટર અને અધિકારીઓ દ્વારા કરાયેલ સ્વચ્છતા ડ્રાઇવની યાત્રિકોએ સરાહના કરી હતી. ભાદરવી પૂનમના મહામેળાની શાનદાર જમાવટ થઇ છે. દૂર દૂરથી ચાલીને પદયાત્રા કરીને લાખો યાત્રિકો અંબાજીમાં ઉમટી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
કલેકટર સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ યાત્રિકોને સેવામાં ખડેપગે વ્યસ્ત છે. વ્યવસ્થા માટે કરવામાં આવેલ વિવિધ સમિતિના અધિકારીઓ, કર્મચારીઓ પોતાને સોંપાયેલ ફરજો નિષ્ઠા પૂર્વક અને સેવાભાવાનાથી બજાવી યાત્રિકોને સહાયરૂપ બની રહ્યા છે.
અંબાજીમાં સ્વચ્છતા ડ્રાઈવ
કલેકટર સંદીપ સાગલેના એક પ્રેરણાદાયી અભિગમની યાત્રિકો મુક્ત મને પ્રશંસા કરી રહ્યા છે. સ્વચ્છતાના આગ્રહી કલેકટર સંદીપ સાગલેના નેતૃત્વ હેઠળ મહામેળા પ્રસંગે અંબાજી ગામમાં અધિકારીઓ દ્વારા સ્વચ્છતા ડ્રાઇવ કરવામાં આવી હતી. આ સ્વચ્છતા ડ્રાઇવમાં કલેકટર સહિત 37 જેટલા જિલ્લાકક્ષાના ક્લાસ વન-ટુ અધિકારીઓ જોડાયા હતાં. સ્વચ્છતા ડ્રાઇવ માટે અંબાજી ગામને 4 રૂટમાં વહેંચીને ટીમ લીડરના નેતૃત્વ હેઠળ અધિકારીઓની ટૂકડીઓ બનાવી સ્વચ્છતા કરવામાં આવી હતી. અધિકારીઓએ હાથમાં ઝાડુ-સાવરણી પકડીને સફાઇ કરી હતી તેમજ ગટરોની પણ સફાઇ કરી હતી. જેમાં રૂટ નં. 1 આઝાદ ચોકથી પોસ્ટ ઓફિસ- જુની હોસ્પિટલ, હનુમાન મંદિરથી ગ્રામ પંચાયત કચેરી પાછળનો રસ્તો-જુની કોલેજ સુધી, રૂટ નં. 2 માનસરોવરથી હાઇસ્કૂલ થઇને કૈશાલ ટેકરી ત્રણ રસ્તા, અજય માતા ચોકથી ભાટવાસથી દશામાતા મંદિર સુધી ગંગોત્રી પેટ્રોલ પંપ, રૂટ નં. 3 જુની કોલેજ, પંચાયત રેસ્ટ હાઉસ ભોળવા કુવા સુધી શક્તિ દ્વારા સોસાયટીવાળો રસ્તો અને રૂટ નં. 4 અંબિકા કોલોની તરફ ગેટ નં. 5નો રસ્તો લાલ ટાંકીથી પ્રાથમિક શાળા થઇને મહાકાળી ધર્મશાળા તરફના રસ્તાનો સમાવેશ થાય છે.
કલેકટર સહિત અધિકારીઓને સફાઇ કરતા જોઇને યાત્રિકોએ અને અંબાજીના ગ્રામજનોએ કલેકટરના આ પ્રેરણાદાયી અભિગમની પ્રશંસા કરી બિરદાવ્યા હતાં. આ સ્વચ્છતા ડ્રાઇવથી અંબાજી સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં એક સરસ મેસેજ પણ ગયો છે કે, સફાઇ કરવામાં કોઇ શરમ કે સંકોચ ન રખાય.
સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સરાહનીય બનેલ આ સ્વચ્છતા ડ્રાઇવથી યુવાનો અને વિધાર્થીઓનો ઉત્સાહ બહુ વધ્યો છે. યુવાનો એવી ચર્ચા કરતા હતા કે, કલેકટર, ડીડીઓ અને એસપી જેવા સનદી ઉચ્ચ અધિકારીઓ જાહેરમાં સફાઇ કરે ત્યારે આપણે બહુ વિચારવાનો અને પ્રેરણા લેવાનો સમય આવી ગયો છે. દૂર દૂરથી આવેલા ઘણા યાત્રિકોએ આ સ્વચ્છતા ડ્રાઇવ જોઇને મનમાં સંકલ્પ કર્યો કે, આપણે પણ સફાઇ કરવામાં શરમ નહીં રાખીએ.
અંબાજીમાં અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ સ્વચ્છતા ડ્રાઇવમાં કલેકટર સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, પોલીસ અધિક્ષક અજીત રાજ્યના, નાયબ વન સંરક્ષક(નોર્મલ) ર્ડા.અંશુમાન, નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા, વહીવટદાર એસ. જે. ચાવડા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.વી.વાળા, દાંતા પ્રાંત અધિકારી કુસુમબેન પ્રજાપતિ સહિત તમામ પ્રાંત અધિકારીઓ અને જિલ્લાના અધિકારીઓ જોડાયા હતાં.