બનાસકાંઠાઃ જિલ્લામાં મોટાભાગે ખેડૂતો ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ખાસ કરીને વાત કરીએ તો જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો છેલ્લા એક વર્ષથી અનેક કુદરતી આફતોના કારણે મોટું નુકસાન વેઠી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં વારંવાર તીડનો હુમલો
- 1 વર્ષના સમયગાળામાં છઠ્ઠીવાર તીડે હુમલો કર્યો
- તીડના વારંવાર આક્રમણના કારણેે ખેડૂતોને નુકસાનનો ભય
- આ વર્ષે જિલ્લામાં વરસાદ પણ ખેંચાયો છે
સરહદી વિસ્તારમાં છેલ્લા એક વર્ષમાં અનેકવાર તીડનું આક્રમણ થયું છે. જેમાં ખેડૂતોને અત્યાર સુધીમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ જિલ્લામાં આ વર્ષે વરસાદ ખેંચાતા પણ ખેડૂતોને નુકસાન થવાની સંભાવના વર્તાઇ રહી છે. ત્યારે બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ફરી એકવાર તીડના ઝૂંડ દેખાયા છે.
વાંચોઃ તીડના ઉપદ્રવ સામે સરકારે પ્રાથમિકતાના ધોરણે પગલાં લેવાં જોઈએ
વાવ તાલુકાના તખતપુરા, ઝાડીયાળી, મીઠાવી ચારણ અને માવસરી સહિત આજુબાજુના વિસ્તારોમાં તીડના ઝૂંડ દેખાતા ખેડૂતો સતર્ક બન્યા હતા અને થાળીઓ વગાડી તીડને ભગાડવાના પ્રયાસો હાથ ધર્યો હતા.
વારંવાર તીડના આક્રમણના કારણે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. છેલ્લા 12 મહિનાની અંદર જ છઠ્ઠીવાર તીડનું આક્રમણ થતાં ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. એક તરફ સરહદી વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યાં બીજી તરફ આકાશી આપતીથી ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે.