લાંબા વિરામ બાદ બપોરના સમયે બનાસકાંઠામાં છૂટોછવાયો વરસાદ શરૂ થયો હતો. અમીરગઢ, ઇકબાલગઢ , પાલનપુર ,ડીસા ,ધાનેરા, થરાદ ,વાવ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટુ પડતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠામાં જ એકંદરે વરસાદ અન્ય જિલ્લાઓ કરતા ઓછો પડ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ફરી વરસાદ શરૂ થતા લોકોએ આનંદની લાગણી અનુભવી હતી.
જ્યારે સામાન્ય વરસાદી ઝાપટાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તેમજ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો, તેમજ અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાઇ થતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી. પરંતુ વરસાદના કારણે ખેડૂતોમાં અનેરો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો અને હજુ પણ વધુ સારો વરસાદ થાય તે માટે ધરતીપુત્રો વરુણ દેવને પ્રાર્થના કરી રહ્યા છે.