આ ગમખ્વાર અકસ્માતમાં આંકલાવ, ખડોલ, અનગઢ ,કુવા દાવોલ, કંથારીયા જેવા અલગ અલગ ગામોમાંથી અંબાજીની યાત્રાએ આવેલા યાત્રિકો માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યા હતા. આ ખાનગી લક્ઝરી બસ રોડ ઉપર પલટી મારતા ઘટનાસ્થળે 21 મુસાફરો જેમાં 4 બાળકો 14 પુરુષો અને 3 મહિલાઓ સહીત કુલ 21 મુસાફરોના ઘટનાસ્થળે મોત નિપજયા છે. જ્યારે 55 જેટલા મુસાફરોને ગંભીર ઇજાઓ થતાં તેમને દાંતા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમને પ્રાથમિક સારવાર આપી 35 જેટલા મુસાફરોને સારવાર અર્થે પાલનપુર તેમજ અન્ય સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 20 મુસાફરોને દાંતા ખાતે જ સારવાર અપાઇ હતી. જોકે આ સમગ્ર બાબતના સમાચાર સમગ્ર જિલ્લામાં ફેલાતા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
અંબાજી મંદિર વહીવટદાર, આરટીઓ, પ્રાંત અધિકારી, કલેકટર સહિતના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તો સારવાર અર્થે મદદરૂપ થવાના પ્રયાસો કર્યા હતા. તેમજ મૃત પામેલા 21 મુસાફરોને પોસ્ટમોર્ટમ ની કામગીરી માટે તેમના મૃતદેહ દાંતા રેફરલ હોસ્પિટલમાં રખાયા છે. આ ત્રિશુળીયા ઘાટામાં વારંવાર બનતા અકસ્માત અંગે પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે ત્રિશુળીયા ઘાટમાં રોડ વચ્ચે ડીવાઈડર મૂકી ઉતરવાની બાજુએ કર મૂકવામાં આવે અકસ્માત સર્જાવાનો ભય ઓછો થઈ શકે. આ મુદ્દે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. તેમજ જીલ્લા કલેકટર દ્વારા સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોને છેલ્લા તાત્કાલિક ઈજાગ્રસ્તોને સારવાર મળે તે માટે ઘટતી કાર્યવાહી કરાઈ રહી હોવાનું જણાવ્યું હતુ.
આ અકસ્માત માં 21 જેટલા મુસાફરોના મોત નિપજતા અંબાજી પંથકમાં પણ ભારે ગમગીની છવાઇ હતી. અંબાજી મંદિર સહિત અન્ય ગરબી મંડળોમાં બીજા નોરતે માતાજીની આરતી કરી મૃતકો ને શ્રધ્ધાંજલી આપી ગરબાના કાર્યક્રમ પણ રદ કરાયા હતા.
નવરાત્રી તહેવાર માં આદ્યશક્તિ જગદંબા માં અંબાની ઉપાસનાનો અનેરો મહિમા હોય છે. જેથી આ નવરાત્રીના તહેવાર દરમિયાન માં અંબાના ધામ અંબાજીમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જેમાં સોમવારે આણંદ જિલ્લાના આંકલાવ અને બોરસદ તાલુકા માંથી એક લક્ઝરી બસમાં 56 જેટલા શ્રધ્ધાળુ દર્શન કરવા માટે ગયા હતા. જે લોકો દર્શન કરી પરત ફરી રહ્યા હતા. અચાનક બનેલી ઘટનાની જાણ ગામમાં વાત પ્રસરી ગઈ હતી. જેથી સંબંધીઓએ પોતાના સ્વજનોની ભાળ મેળવવાનું શરૂ કર્યુ ે.
હાલ ખડોલ, દાવોલ,મૂજકુવા,નંદેસરી, આશોદર અને આસપાસના વિસ્તારોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ હતી અને દરેક સ્વજન પોતાના ગામના અને સબંધીની ચિંતામાં શરી પડ્યા જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ઘટનાની ગંભીરતા જોતા આણંદ જિલ્લાના સાંસદ મિતેશભાઇ દ્વારા પાલનપુરના સાંસદ પરબત પટેલ તથા કલેકટરને ટેલિફોનિક સંપર્ક કરી તાત્કાલિક જરૂરી મદદ અને સારવાર મળી રહે તે ઉપરાંત ઈજાગ્રસ્તો અને મૃત્યુ પામેલ વ્યક્તિઓના નામ સરનામાની પુરી વિગત મેળવી અને તાત્કાલિક પરિવારજનો સાથે સંપર્ક સાધી અને તેમને સાંત્વના પાઠવવા માટે તજવીજ હાથ ધરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.