- ડીસા આખોલ ચાર રસ્તા પાસે 2 ટ્રેઈલર વચ્ચે અકસ્માત
- ડીસા તાલુકા પોલીસ અને હાઈ-વે ઓથોરિટીની ટીમ ઘટના સ્થળે
- વારંવાર સર્જતા અકસ્માતથી લોકોમાં ભય
બનાસકાંઠાઃ ડીસા આખોલ ચાર રસ્તા હાલ અકસ્માત ઝોન સાબિત થઈ રહ્યો છે. ગત એક મહિનામાં ડીસા આખોલ ચાર રસ્તા પાસે અનેક અકસ્માત સર્જ્યા છે. જેમાં અત્યાર સુધી 15 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે આજે મંગળવારે વધુ એક અકસ્માત ડીસા આખોલ ચાર રસ્તા પાસે સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે એક ઈજાગ્રસ્ત થયો છે.
પશ્ચિમ બંગાળ જઇ રહ્યું હતું ટ્રેલર
મળતી માહિતી મુજબ, મોરબીથી ટાઈલ્સ ભરીને પશ્ચિમ બંગાળના ગંગારામપુરા ગામે ઉતારવા માટે સોમવારે રાત્રીના 9 વાગ્યે ટ્રેઈલર નીકળ્યું હતું. જેનો અકસ્માત મંગળવારે સવારે 5 વાગ્યે ડીસા આખોલ ચાર રસ્તા પાસે થયો હતો.
2 ટ્રેલર વચ્ચે અકસ્માત
રાજસ્થાનના ટ્રેઈલર નંબર RJ-05-GB-5326એ આગળ જઈ રહેલા પંજાબના ટ્રેઈલર નંબર.PB-10-GK-4253ને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે બન્ને ટ્રેઈલરમાં આગ લાગી હતી. અકસ્માત સર્જતાં રાજસ્થાનના ટ્રેઈલર ચાલક અને ક્લીનર બંન્ને ટ્રેઈલરમાં ફસાઈ ગયા હતા, જ્યારે પંજાબ ટ્રેલરના ડ્રાઈવર સ્વર્ણજીત જાટનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને ક્લીનર સર્વજીતસિંહ જાટને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ડીસા તાલુકા પોલીસ અને હાઈ-વે ઓથોરિટીની ટીમ ઘટના સ્થળે
આ અકસ્માતની જાણ થતાં ડીસા તાલુકા પોલીસ અને હાઈ-વે ઓથોરિટીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
એક મહિનામાં 10થી વધુ અકસ્માત
બનાસકાંઠા જિલ્લામાં ગત એક મહિનામાં 10થી વધુ નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. જેમાં 15થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.