- બનાસકાંઠાના 14 તાલુકામાં પશુપાલન વિભાગે શરૂ કરી કામગીરી
- સર્વેલન્સ કામગીરી માટે પશુપાલન વિભાગે મોકલી વિશેષજ્ઞોની ટીમ
- જિલ્લાના 14 તાલુકામાંથી 150 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા
બનાસકાંઠાઃ એક તરફ કોરોનાએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે તો બીજી તરફ હવે નવી મુસીબત આવી છે. તે છે બર્ડ ફ્લૂ. દેશના અમુક રાજ્યમાં બર્ડ ફ્લૂની અસર જોવા મળી છે. બનાસકાંઠામાં પણ 14 તાલુકામાંથી સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે અમદાવાદ મોકલવામાં આવ્યા છે. જોકે, રાજ્યમાં અત્યાર સુધી બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી.
પશુપાલન વિભાગની ટીમ પોલ્ટ્રી ફાર્મમાં કરી રહી છે તપાસ
પશુપાલન વિભાગની ટીમે બનાસકાંઠાના 14 તાલુકામાં સર્વેલન્સ કામગીરી ચાલી કરી છે. જુદા જુદા વિસ્તારોમાં આવેલા પાણીનાં સ્રોત, નદી ઝરણાં, તળાવ, ડેમ વિસ્તાર, નડાબેટ તેમ જ તમામ પોલ્ટ્રી ફાર્મમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
બનાસકાંઠામાંથી લેવાયેલા સેમ્પલ તપાસ માટે અમદાવાદ મોકલાયા
જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. પ્રકાશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં એક પણ જગ્યાએ શંકાસ્પદ બર્ડ ફ્લૂનો કેસ મળી આવ્યો નથી. તેમ છતાં તકેદારીના ભાગરૂપે જુદી જુદી પોલ્ટ્રી ફાર્મમાંથી 150 સેમલ લેવાયા છે, જે અમદાવાદમાં આવેલી સેમ્પલ લેબમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે.