- ડીસામાં માળી સમાજના યુવકે પૈસાની લાલચમાં પત્નીનું મોત નિપજાવ્યું
- કોલ ડિટેલના આધારે હત્યાનો ભેદ ઉકેલાયો
- CA લલિત માળી પર સમાજમાં રોષ ભભૂક્યો
- ડીસામાં માળી સમાજમાં વધુ એક શર્મશાર કરતી ઘટના આવી સામે
બનાસકાંઠા: સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો, ગત 26 ડિસેમ્બરના રોજ વહેલી સવારે ડીસાના જાણીતા CA લલિત માળી અને તેમની પત્ની દક્ષાબેન બન્ને ગેળા હનુમાનજીના દર્શન કરવા પગપાળા જઈ રહ્યા હતા અને કાપરા ગામ પાસે CA લલિત પત્નીથી દૂર ચાલી રહ્યા હતા. તે સમયે અજાણી કારે ટક્કર મારતા દક્ષાબેનનું ઘટનાસ્થળે મોત થયું હોવાની ફરિયાદ ભીલડી પોલીસ મથકે નોંધાઈ હતી. જે બાદમાં મૃતકના પતિ CA લલિતએ ચક્ષુદાન કર્યું હતું તેમજ સમાજના વિકાસ માટે અલગ અલગ જગ્યાએ દાન કરી સમાજના લોકોની સહાનુભૂતિ મેળવવાની કોશિશ કરી હતી. જો કે, બાદમાં સમગ્ર ઘટના બાબતે પોલીસને શંકા જતા પોલીસ તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક દક્ષાબેનના નામે આઠ માસ અગાઉ 1.20 કરોડનો વીમો લેવામાં આવ્યો હતો અને રૂ 17 લાખ ઉપરાંતની કિંમતની ગાડી મૃતકના નામે લાવીને મિત્રને આપી હતી.
પોલીસે ગાડી અને અન્ય આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી
જે પોલીસને શંકા જતા ભીલડી પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી અને CA લલિત માળીની કડક પૂછપરછ કરતા આખરે તેણે તેની પત્નીના અકસ્માતનો પ્લાન ઘડ્યો હોવાની કબૂલાત કરી હતી. જેમાં તેના મિત્ર ને રૂ 2 લાખ આપી સ્વીફ્ટ ગાડીથી ટક્કર મારવાનો પ્લાન ઘડ્યો હતો અને પ્લાન મુજબ CA લલિત માળી ડીસાથી ગેળા હનુમાનજી મંદિર ચાલતા જય રહ્યા હતા તે સમયે કાપરા ગામ પાસે લલિત તેની પત્નીથી દુર ચાલી રહ્યો હતી તે સમયે તેના મિત્ર દક્ષાબેનને ટક્કર મારી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ CA લલિત માળીએ ડીસા 108ને ફોન કરી બોલાવેલ અને જે અકસ્માત કરવા સોપારી આપી હતી તે મિત્ર જ દોડી આવ્યો હતો. આમ સમગ્ર ઘટનાની કબૂલાત કરતા પોલીસે હાલ આરોપી CA લલિત માળીની અટકાયત કરી હતી અને વધુ તપાસ માટે દિયોદર Dysp પી.એચ.ચૌધરી, ભીલડી PSI અને FSLની ટીમ આરોપીને ઘટનાસ્થળે લઇ જઇ રિટેક્શન કરાવ્યું હતું અને હવે પોલીસે ગાડી અને અન્ય આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.
કોલ ડિટેલના આધારે હત્યાનો ભેદ ઉકેલાયો
આ સમગ્ર કેસમાં પોલીસે કોલ ડીટેલના આધારે હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. જેમાં અકસ્માત પહેલા પત્નીના નામે 1.20 કરોડનો ઇન્સ્યોરન્સ લીધો હતો તેમજ 17 લાખની કાર પણ તેની પત્નીના નામે લીધી હતી અને તે કાર તેના મિત્રને ચલાવવા માટે આપી દીધી હતી. જે તમામ બાબતો જોતા પોલીસને શંકા ગઈ હતી અને તપાસમાં અકસ્માત પહેલા તેના મિત્ર સાથે થયેલી વારંવાર વાતચીતના આધારે પોલીસે પતિની કડક પૂછપરછ કરતા આખરે તેને ગુનો કબૂલ્યો હતો.
CA લલિત માળી પર સમાજમાં રોષ ભભૂક્યો
CA લલિત માળીને અન્ય યુવતી સાથે અફેર હોઈ તેને પામવા માટેનું પત્નીનું કાસળ કાઢવાનો નાખવાનો પ્લાન ઘડ્યો હોઈ શકે અને બીજું 60 લાખનો વીમો લીધેલ હોઈ તે પૈસા મળે અને માલામાલ થઈ જવાના અને ગાડીના હપ્તા પણ ભરવા ન પડે આમ એક કાંકરે બે પક્ષી મારવાનો પ્લાન હોઈ શકે. જો કે, CA સાથે અફેર ધરાવતી યુવતીની પણ તપાસ થવી જોઈએ એક યુવતીના કારણે એક પતિ પોતાની પત્નીને મારવા હિંમત કરી હોય ત્યારે આ યુવતીની પણ ધરપકડ થવી જોઈએ તેમ મૃતકના પરિવારજનોનું માનવું છે. CA લલિત માળી ને એક પાંચ વર્ષની પુત્રી અને 13 માસનો બાળક છે. ત્યારે શિક્ષિત CA એ બાળકોનું પણ ન વિચારતા સમગ્ર જિલ્લામાં CA પર ફિટકાર વરસાવી રહ્યો છે.
ડીસામાં માળી સમાજમાં વધુ એક શર્મસાર કરતી ઘટના આવી સામે
ડીસામાં માળી સમાજ એક મોભાદાર સમાજ ગણાય છે ત્યારે આ સમાજમાં છ માસ અગાઉ એક યુવકે સગી ફઈની મૂંગી દીકરીની હત્યા કરી મૃતદેહને ફેકી દીધો હતો. જે ઘટના બાદ CA દ્વારા પોતાની પત્નીને અકસ્માતમાં મારી નાખતા સમાજમાં આવા તત્વો સામે ફિટકાર વરસાવી રહ્યો છે સાથે સમગ્ર જિલ્લામાં સમાજ આજે શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયો છે. સમાજ આજે સોશિયલ મીડિયામાં ફિટકાર વરસાવી રહ્યા છે.