- ઇકબાલગઢ ગામે મહિલાએ કરી બટર મશરૂમની ખેતી
- આ બટર મશરૂમ ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ વેચાણ કરવામાં આવે છે
- ખેતીવાડી વિભાગનું માનવું છે કે, બટર મશરૂમની વિદેશમાં પણ ખુબ માગ છે
બનાસકાંઠાઃ જિલ્લો એ રણની કાંધીને અડીને આવેલો જિલ્લો છે અને અહીંના લોકો સતત પાણીની તીવ્ર સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે, તેમ છતાં પણ અહીંની પ્રજા ખમીરવંતી અને મહેનતકશ હોવાના કારણે આજે અવ નવી ખેતી દ્વારા માત્ર બનાસકાંઠામાં જ નહીં પરંતુ ગુજરાતભરમાં નામના મેળવી રહ્યા છે.
નજીવા ખર્ચે બટર મશરૂમની ખેતી કરી
અમીરગઢ પાસે આવેલા ઇકબાલગઢમાં એક મહિલાએ બટર મશરૂમની ખેતી કરી લાખો રૂપિયાની કમાણી કરી છે. આ મહિલાનું નામ મિતલબેન પટેલ છે. મિતલબેન પટેલનો પરિવાર ખૂબ જ શિક્ષિત છે, તેમનો એક પુત્ર અત્યારે કેનેડામાં અભ્યાસ કરી રહ્યો છે અને બીજો પુત્ર પણ એબ્રોડ જવાની તૈયારી કરી રહ્યો છે, ત્યારે મિતલબેન પટેલે ઘરે બેઠા બેઠા કંઈક નવું કરવાનો વિચાર આવતાં જ તેમને મામૂલી ખર્ચમાં બટર મશરૂમની ખેતી કરવાનું વિચાર્યું હતું. તેઓએ પોતાના ઘરે જ સસરાની મદદથી વાસ અને અન્ય ચીજ વસ્તુઓ માંથી રૂમનો સેડ બનાવ્યો છે, તેમાં નજીવા ખર્ચે બટર મશરૂમ માટે આખું સ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. તેઓએ મહેનત કરી બીટ મશરૂમમાં સફળતા મેળવી હાલ તેઓ દિવસનું 15 થી 20 કિલો બટર મશરૂમનું ઉત્પાદન કરે છે.
આ પણ વાંચોઃ આ મશરૂમ ખાવા માટે લેવી પડશે લોન..!
મશરૂમ કિલોના 200 રૂપિયાના લેખે વેચાણ થાય છે
આ મશરૂમનું ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ વેચાણ કરે છે. તેઓ પોતાના ઘરે બેઠા બેઠા બટર મશરૂમના પેકિંગ તૈયાર કરીને રાજસ્થાનની મોટાભાગની હોટલો અને ગુજરાતી હોટલોમાં વેચાણ કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, મશરૂમ કિલોના 200 રૂપિયાના લેખે વેચાણ થાય છે. બીજા મશરૂમ કરતા બટર મશરૂમની ડિમાન્ડ માર્કેટમાં વધુ છે, જેના કારણે ગ્રાહકો સામેથી તેમના ઘરે આવીને ઓર્ડર આપી આ મશરૂમ લઈ જાય છે. તેમનું આખું સ્ટ્રક્ચર 30 થી 40 હજારમાં તૈયાર થયું છે. તેમનું કહેવું છે કે, આમ તો બટર મશરૂમની ખેતી ખૂબ જ સરળ અને સારી છે, પણ થોડી મહેનત વાળી ખેતી છે જેના કારણે તેઓ આખો દિવસ મશરૂમ ની ખેતીમાં કાઢે છે. તેમના સસરાની આગેવાની હેઠળ તેઓ આ મશરૂમની ખેતી કરે છે અને તેઓ માર્કેટિંગ પણ જાતે જ કરી રહ્યા છે. મિત્તલ પટેલે નાના પાયે શરૂઆત કરેલો આ બિઝનેસ ધીમે ધીમે મોટા પાયે કરવાની પણ તેઓ ઈચ્છા વ્યક્ત કરી છે.
બટર મશરૂમની વિદેશમાં પણ ખુબ માગ
ખેતીવાડી વિભાગના અધિકારીઓનું પણ માનવું છે કે, બટર મશરૂમની માગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ જ મોટી માગ છે અને ખેડૂતો આવી ખેતી કરે તો ઓછા ખર્ચે વધુ નફો મેળવી શકે. ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં વધુને વધુ ખેડૂતો બટર મશરૂમ તરફ વળે તે માટે સતત ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેના થકી હાલ બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગે ખેડૂતો મશરૂમની અલગ-અલગ પ્રકારે ખેતી તરફ વળ્યા છે અને હાલમાં મશરૂમની ખેતી થકી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ડબલ આવક મેળવી રહ્યા છે.
બટન મશરૂમની ખેતી કરી મિત્તલબેન પટેલ અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ
બનાસકાંઠા જિલ્લો આમ તો વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો જિલ્લો માનવામાં આવે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ખેતીમાં વારંવાર થતાં નુકસાનના કારણે હવે ખેડૂતો ખેતી છોડી અન્ય વ્યવસાય સાથે જોડાઇ રહ્યા છે. પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક ખેડૂતો છે કે જેઓ પોતાની ખેતી થકી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે અને તેમની ખેતી દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ વખણાય રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ ગામે મિત્તલ પટેલે નજીવા ખર્ચે શરૂ કરેલી બટર મશરૂમની ખેતી દ્વારા અત્યારે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે જે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.