બનાસકાંઠાઃ કોરોના મહામારીના સમયમાં બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી ફરી એકવાર ગાંજાની હેરાફેરી ઝડપાઈ છે. જેમાં પોલીસે ગાંજો પહેલી ગાડી સહિત 33.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કોરોના મહામારીના સમયમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા બુટલેગરો અટક્યા નથી અને સરહદી વિસ્તાર એવા બનાસકાંઠા જિલ્લામાં બેફામ રીતે અસામાજિક પ્રવૃત્તિઓ અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં થરાદ પાસેથી ગાંજો ભરેલી ગાડી ઝડપાઇ છે.
GSTની ચોરી થતી હોવાનું માલુમ પડતા અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. જેમાં થરાદના બુઢન પુર પાસેથી રાજસ્થાન તરફથી એક શંકાસ્પદ જીપડાલુ આવતું જણાતા GSTની ટીમે તેનો પીછો કર્યો હતો. જો કે, ફિલ્મી ઢબે પીછો કરતા જ રસ્તામાં ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. જેથી GSTના અધિકારીઓ તપાસ કરતા ગાડીમાં ગાંજો ભરેલો હોવાનું માલુમ પડતા પોલીસને જાણ કરાઈ હતી.
આ ઘટનાને પગલે થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા જીપડાલામાંથી 306 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો ભરેલી ગાડી સહિત 33.60 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ફરાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના સમયમાં થરાદ તાલુકામાંથી બીજી વાર લાખો રૂપિયાનો ગાંજો ઝડપાયો છે અને સરહદી વિસ્તારમાંથી વારંવાર માદક દ્રવ્યોની હેરાફેરીએ પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો છે.
ગુજરાતમાંથી ઝડપાયેલા ગાંજાની વિગત
રાધનપુરના ધરવડી ગામેથી 24.93 લાખનો ગાંજો ઝડપાયો
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ધરવડી ગામે વાવેતરવાળા વાડામાં રેડ કરી પોલીસે રૂ. 24,93,500 ના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને ઝડપી લીધો હતો.
18 કિલો ગાંજા સાથે પિતા-પુત્રની ધરપકડ
અમદાવાદ : પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ગુનાખોરી અટકાવવા અને ડ્રગ્સ , દારૂની હેરાફેરી અટકાવવા માટે કડક સૂચના આપવામાં આવી છે. SOG ટીમ દ્વારા અમદાવાદના ખોખરા વિસ્તારમાં રીક્ષા ચાલક પિતા અને પુત્રની 18 કિલો ચરસ અને ગાંજાના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ બાબતે SOGના DCP ડૉ. હર્ષદ પટેલે જણાવ્યું કે, તેઓ દિવાળીના તહેવારમાં છૂટક વેચાણ માટે ચરસ અને ગાંજો લાવ્યા હતા. તેમજ આ મુદ્દામાલ ખોખરા વિસ્તારમાં રહેતા મદીના શેખ પાસેથી ખરીદવામાં આવ્યો હતો. જ્યારે આ સમગ્ર માલ સુરતથી આવ્યો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જ્યારે પોલીસે મુખ્ય સપ્લાયર મદીના શેખની ધરપકડ કરવાના ચક્રો પણ ગતિમાન કર્યા હતા.
સોડવદ્રા ગામેથી ગાંજાના ૩૩ છોડ સાથે એક શખ્સની ધરપકડ
ભાવનગરઃ શહેર જિલ્લામાં છાને ખૂણે પ્રતિબંધિત નાર્કોટિક્સ પદાર્થોની હેરાફેરી, વેંચાણ તથા ગાંજા જેવા માદક પદાર્થોનું ઉત્પાદન પણ થઈ રહ્યું હતું. જેમાં કેટલાક કિસ્સાઓમા આવા કાળા કારોબારની બાતમી કાયદા તંત્રને થતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર બાબત સમાચાર માધ્યમો દ્વારા ઉજાગર થઇ હતી. આવા જ એક બે નંબરી ધંધાનો પોલીસે પદૉફાશ કર્યો હતો.
શું ગુજરાતમાં ઓનલાઇન ગાંજો પણ મળે છે!
ભાવનગર: બેચલર ઑફ બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન (BBA)ના કોર્સમાં અભ્યાસ કરતો એક યુવાન ગાંજાના જથ્થા સાથે ઝડયાપો હતો. ભાવનગરનો આ કિસ્સો આંખ ઉઘાડનારો એટલા માટે છે, કે પકડાયેલા નબીરાએ માત્ર એક ક્લિકથી ગાંજો મંગાવ્યો હતો. આ કેસની જો ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ગાંજાના ઑનલાઈન વેચાણનું મોટું નેટવર્કનો પર્દાફાશ થઈ શકે તેમ છે. જો કે હાલમાં પોલીસ વિભાગ દ્વારા યુવાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.