બનાસકાંઠાઃ પાલનપુર તાલુકાના કુસ્કલ ગામ પાસે ટ્રકની ટક્કરથી ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જ્યાં તમામ લોકોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર ભારતમાં હાલમાં લોકડાઉનની સ્થિતિ છે. આ લોકડાઉનમાં વાહનોની અવર જવર બંધ થઈ ગઈ છે. જેના કારણે સમગ્ર ભારતભરમાં અત્યાર સુધી અનેક અકસ્માતો ઘટ્યા છે. જેના કારણે રોજના અકસ્માતમાં મોતને ભેટતા હતા જેવા અનેક માસૂમ લોકો બચી ગયા છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાની વાત કંઇક અલગ છે.
બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉન હોવા છતાં અત્યાર સુધી અનેક નાના મોટા અકસ્માતો સર્જાયા છે. જેમાં અમુક વ્યક્તિ મોતને પણ ભેટ્યા છે, ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં વધુ એક લોકડાઉનમાં અકસ્માત સર્જાયો હતો. લોકડાઉનમાં થોડી છૂટ છાંટા આપવામાં આવી હોવા કારણે હાલ મોટા ટ્રકની અવર જવર વધી છે. જેના કારણે આજે પાલનપુર તાલુકાના કુસ્કલ ગામ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક ચાલકના ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જ્યાં બાજુમાંથી ટ્રેક્ટર પસાર થતું હોવાના કારણે ટ્રેક્ટરને પણ આ અકસ્માત નડ્યો હતો.
જ્યાં અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક અકસ્માતમાં ઘાયલ લોકોને 108 એમ્બ્યુલન્સ વાનની મારફતે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માત સર્જાતા ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો, ત્યારે પોલીસે હાલ ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.