સાબરકાંઠાના હિંમતનગરના રાજપુર ખાતે પાણી પુરવઠા અને પશુપાલન પ્રધાન કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વેટનરી ગર્લ્સ હોસ્ટેલનુ ભૂમિ પૂજન, અત્યાધુનિક પશુ શિક્ષણ ભવનનુ લોકાર્પણ તેમજ ડિપ્લોમાના 169 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયતનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં તેમણે જણાવ્યું હતુ કે, ગુજરાતનો દુધ ઉત્પાદન ક્ષેત્રે દેશમાં ચોથો નંબર છે. ગુજરાતમાં ખેતીની સાથે પૂરક વ્યવસાય તરીકે પશુપાલનના વ્યવસાયને સ્વીકાર્યો છે. ત્યારે પશુપાલનની પુરક વ્યવસાય નહીં પરંતુ મુખ્ય વ્યવસાય તરીકે પણ સ્વીકારવામાં આવે તો ક્ષેત્રે અનેક ઉજળી તકો રહેલી છે.
આ વ્યવસાયમાં નોકરી કરતાં વધુ ઉપાર્જન મેળવી શકાય છે. આવનારા ભવિષ્યમાં ડેરી અને પશુપાલન ક્ષેત્રે અનેક તકો રહેલી છે. આ તકોને ઓળખીનેઆ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આગળ વધે અને આર્થિક ઉપાર્જન કરી શકે સાથે ખેડૂતો અને પશુપાલકોને મદદરૂપ બની દેશના વિકાસમાં સહભાગી બની શકે તેવી ઉજ્જવળ તકો આ ક્ષેત્રમાં રહેલી છે.
આ યુનિવર્સિટી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના પશુપાલકને તેમના પશુ સંવર્ધનમાં મદદરૂપ થઈ પશુપાલકોના આર્થિક વિકાસનો વિચાર કરી વર્ષ 2009માં આ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. જેને આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે. આ વિધાર્થીઓ આવતી કાલથી પોતાના ફિલ્ડમાં જઈ પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કેવી રીતે કરી શકાય તે વિશે માર્ગદર્શન આપી પશુપાલન ક્ષેત્રને નવી દિશા ચિંધશે.