- પાલનપુર અને ડીસા શહેરમાં કોરોના સંક્રમણ રોકવા બેઠક યોજાઈ
- કોવિડ-19ની સ્થિતિને ધ્યાને લઈ કલેક્ટરે બેઠક બોલાવી
- દરેક વોર્ડ વાઈઝ કોવિડ વૉર્ડ ટીમ કાર્યરત થશે
બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લાં ત્રણ અઠવાડિયાથી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, દરરોજના 60 થી 100 જેટલાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. જેમાં સૌથી વધુ કેસ પાલનપુર તેમજ ડીસામાંથી સામે આવી રહ્યા છે, આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં કલેકટરે અધિકારીઓ પાસેથી દૈનિક કોવિડ રિલેટેડ કામગીરીની માહિતી મેળવી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવાની સાથો સાથ કોરોનાની ચેઈન તોડવા એક અત્યંત મહત્વપુર્ણ નિર્ણય કર્યો હતો. જિલ્લા કલેકટરે પાલનપુર અને ડિસામાં વધતા કેસને રોકવા બન્ને શહેરના 11-11 વોર્ડમાં વોર્ડ વાઇઝ કોવિડ ટીમ તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં પ્રત્યેક કોવિડ વોર્ડમાં ત્રણ જુદી-જુદી ટીમો જુદી-જુદી કામગીરી કરી કોરોનાને વધતું અટકાવવા ભગીરથ પ્રયાસ કરશે.
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસમાં વધારો, પાલનપુર સ્વયંભૂ બંધ
ત્રણ જુદી જુદી ટીમ સાથે વોર્ડ કમિટી દરેક વોર્ડ પર નજર રાખશે
કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, પાલનપુર અને ડીસા શહેરમાં કોરોના સંક્રમણ રોકવા માટે પાલનપુર શહેરના 11 વોર્ડ માટે 11 કોવિડ વોર્ડ ટીમ તેમજ ડીસા શહેરમાં વૉર્ડ વાઈજ કોવિડ વૉર્ડ ટીમ તૈયાર કરવામાં આવશે અને આ ટીમમાં એક મુખ્ય કોવિડ વોર્ડ ઇન્ચાર્જ ઓફિસર, એક ધનવંતરી રથ, સાથે બે પોલીસ જવાનનોની ટીમ હશે. આ ટીમમાં ત્રણ અલગ-અલગ વિભાગના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધનવંતરી રથ દ્વારા કોરોના ટેસ્ટિંગ, ટ્રીટમેન્ટનું કામ આરોગ્ય વિભાગના કર્મચારીઓ કરશે, તેમજ જ્યા કોરોનાના કેસ સામે આવ્યા છે અથવા સામે આવશે ત્યાં સેનિટાઈઝ કરવાનું કામ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કરવાનું રહેશે સાથે જ પોલીસ જવાનો જે તે વૉર્ડમાં લોકો માસ્ક ન પહેરે કે કન્ટેન્ટમેન્ટ ઝોનનો વ્યક્તિ અંદર ન હોય તેવો લોકો પર કડક કાર્યવાહી કરશે. અને આ બધી વિગતો અને કાર્ય યોગ્ય રીતે થઈ રહ્યું છે તેની ચકાસણી અને દેખરેખ તેમજ સમગ્ર ટીમનું સંકલન મુખ્ય કોવિડ વૉર્ડ ઇન્ચાર્જ અધિકારી કરશે.
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લાના તમામ ભરચક વિસ્તારોમાં એક અઠવાડિયા સુધી દરરોજ કરાશે કોરોના ટેસ્ટ
નિયમોનું પાલન નહીં કરનારા સામે કડક કાર્યવાહી કરાશે
બનાસકાંઠા જિલ્લા કલેકટરે આજે રવિવારે યોજેલી બેઠકમાં કોવિડ વોર્ડ ટીમનો અતિ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં પાલનપુર અને ડીસા શહેરના તમામ કોવિડ વોર્ડ પર સંપૂર્ણ દેખરેખ રાખી શકાય તે માટેનું માઈક્રો પ્લાનિંગ હાથ ધરાયું છે. આ વોર્ડ વાઇઝ કમિટીમાં ત્રણ ટિમો હશે, એક હેલ્થની ટીમ જે ધન્વંતરિ રથ દ્વારા વોર્ડમાં લોકોના કોરોના ટેસ્ટ કરશે અને તેમના આરોગ્યની કાળજી લેશે, બીજી નગરપાલિકાની ટીમ જે કોવિડ પોઝિટિવ મહોલ્લાઓમાં સેનિટાઈઝ તેમજ સફાઈની કાળજી લેશે, ત્રીજી પોલીસની ટીમ જે કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારો પર નજર રાખશે અને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાના નિયમનું કડકાઇથી પાલન કરાવશે, તેમજ જરૂર પડ્યે પોલીસ ફરિયાદ પણ દાખલ કરશે. આ ત્રણેય પ્રકારની કામગીરીનું મોનીટરીંગ દરેક કોવિડ વોર્ડ કમિટીના ઇન્ચાર્જ અધિકારી દ્વારા કરાશે, જે સીધા જ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીને ડેઇલી રિપોર્ટ રજૂ કરશે.