- પાલનપુર રેલવે સ્ટેશન પાસેથી મળ્યું એક નવજાત બાળક
- નવજાત બાળક મળી આવતા સ્થાનિકોમાં રોષ
- લોકોએ આવું કૃત્ય કરતી માતા પર ફિટકાર વરસાવી
બનાસકાંઠા : પાલનપુરમાં રેલવે સ્ટેશન પાસે કોઇ અજાણી વ્યક્તિ નવજાત બાળકને પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને ફેંકી ગયું હતું. કૂતરાઓએ કોથળામાંથી નવજાત બાળકને ખેંચી બહાર કાઢી બચકા ભરતા સ્થાનિક લોકો આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. બનાવને પગલે પાલનપુર શહેર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. તેમજ નવજાત બાળકને પોસ્ટમોર્ટમ અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, નવજાત બાળકને પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને ફેંકી જતા લોકોએ તેની માતા પર ફિટકાર વરસાવી હતી.
બનાસકાંઠા જિલ્લો ગુજરાતમાં અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે. જેના કારણે દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં માનવતાને લાજે તેવી ઘટનાઓ બને છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનામાં અનેક તાલુકાઓમાંથી મૃત હાલતમાં નવજાત બાળક મળી આવ્યા છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ડીસા,પાલનપુર, થરાદ સહિત અનેક વિસ્તારોમાં નવજાત બાળક મળી આવવાની ઘટનાઓ સામે આવી રહી છે. વારંવાર બનતી આવી ઘટનાઓને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જે પણ વ્યક્તિ આવું કૃત્ય કરતી હોય તેવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે.