- 6 એકર જમીનમાં પાણી ફરી વળતા રાયડાનો પાક પાણીમાં ગરકાવ
- કેનાલની સફાઈ યોગ્ય રીતે ન થતાં પડ્યું ગાબડું
- પાકને નુક્સાન પહોંચતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ
બનાસકાંઠા: શિયાળાની મોસમ ચાલુ થતાની સાથે જ કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. થરાદ તાલુકાના સવપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું પડતાં બાજુમાં જ આવેલી 6 એકર જમીનમાં તૈયાર કરેલો રાયડાનો પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
નર્મદાનું પાણી મળવાની આશાએ ખેડૂતોએ શિયાળુ સિઝન માટે કર્યો હતો લાખો રૂપિયાનો ખર્ચ
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં સરકાર દ્વારા કેનાલો બનાવવામાં આવી છે. જ્યારે સરહદી વિસ્તારનાં ખેડૂતોએ નર્મદાનું રેગ્યુલર પાણી મળશે તેવી આશાએ શિયાળુ સિઝન માટે લાખો રૂપિયાનો ખર્ચ કરીને જીરું, એરંડા, રાયડા જેવા પાકોનું વાવેતર કર્યું છે. જયારે આજે સવપુરાની સીમમાંથી પસાર થતી સવપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતાં છ એકર જમીનમાં તૈયાર કરેલ રાયડુ અને ઘઉંનાં પાક ઉપર પાણી ફરી વળ્યું હતું.
બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં કેનાલો તૂટતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવે છે. જોકે, આજે સવપુરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતાં તૈયાર થઇ ગયેલ રાયડું અને ઘઉં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમારી મહેનત પર પાણી ફરી વળ્યું છે. અમે દિન રાત આવી ઠડી વેઠીને તૈયાર કરેલો પાક પાણી ભેગો થઈ ગયો છે. અમારા બધા સપનાંઓ પાણીમાં ગયા છે. અમને થયેલ નુકસાન નું વળતર આપો તેવી અમારી માંગ છે.