વાવ તાલુકામાં રવિવારે સાંજથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સોમવારે સવારે છ વાગ્યા સુધી વાવમાં નવ ઈંચ જેટલો વરસાદ ખાબકતા ખેતરોમાં પાણી ભરાયા છે. જ્યારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ વાવમાં વીજપુરવઠો બંધ કરવામાં આવ્યો હતો પરંતુ, ચોક્કસથી કહી શકાય કે વાવ બનાસકાંઠા જિલ્લાનું આતરિયાળ વિસ્તાર માનવાના અને છેલ્લા ઘણા સમયથી વરસાદ ન પડતા ખેડૂતો પોતાના પાકને લઈ મુશ્કેલીમાં મુકાયા હતા. વાવમાં 9 ઈંચ વરસાદ પડવાથી લોકોમાં ખુશી જોવા મળી હતી.
ગત મોડી રાત્રે વાવમાં 9 ઈંચ વરસાદ પડતાં ખેતરોમાં પણ પાણી ભરાયા હતા જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં પડેલા વરસાદની માહિતી જોઈએ તો, અમીરગઢમાં 9 મી.મી, ભાભરમાં 35 મી.મી, દાંતીવાડામાં 10 મી.મી, દિયોદરમાં 102 મી.મી, ડીસામાં 14 મી.મી, કાંકરેજમાં 34 મી.મી, પાલનપુરમાં 04 મી.મી, થરાદમાં 171 મી.મી, વાવમાં 230 મી.મી, વડગામમાં 20 મી.મી, લાખણીમાં 47 મી.મી, સુઈગામમાં 21 મી.મી, વરસાદ પડ્યો છે.
બંગાળની ખાડી તેમજ ઉત્તર ઓરિસ્સા, ઝારખંડ વિસ્તાર પર લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ લો-પ્રેશર ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન થઈને ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહી છે. જેથી ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ બન્યો છે. ગુજરાતમાં આગામી ત્રણ ચાર દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે.