બનાસકાંઠા: જિલ્લામાં કોરોનાનું સંકટ વધી રહ્યું છે. જિલ્લામાં એક પછી એક કોરોના પોઝિટિવના દર્દીઓ સામે આવી રહી છે. ત્યારે કોરોનાના વધુ 7 પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 132 સુધી પહોંચી ગઈ છે.
જિલ્લામાં જે રીતે કોરોના પોઝિટિવની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક છે. જિલ્લામાં 2 જૂનના રોજ અલગ અલગ રેંડમ વ્યક્તિઓના કોરોના સેમ્પલ લેવામાં આવ્યાં હતા, જેનો રિપોર્ટ શુક્રવારે બપોરે આવતા 7 કેસ પોઝિટિવ નોંધાયા છે.
જે નવા કેસ આવ્યાં છે તેમાં 4 ધાનેરા તાલુકાનાં છે અને ત્રણ ડીસા તાલુકાનાં છે. જિલ્લામાં 7 પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 132 સુધી પહોંચી ગઈ છે.
જે રીતે કોરોનાનું સંક્રમણ જિલ્લામાં વધી રહ્યું છે, તેને લઈ જિલ્લાના અધિક આરોગ્ય અધિકારી જણાવી રહ્યાં છે કે જે રીતે અત્યારે લોકો માસ્ક વગર બહાર નીકળીને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા છે, તેને લઈ કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, ત્યારે જો લોકો કોરોના વાઇરસને લઈ ગંભીર નહીં બને તો આગામી સમયમાં જિલ્લામાં કોરોના વાઇરસનો વિસ્ફોટ થઈ શકે તેમ છે.
જિલ્લામાં હવે કોરોના કાબૂ બહાર નીકળતો નજરે પડી રહ્યો છે અને જે રીતે જિલ્લામાં લોકડાઉન બાદ પરિસ્થિતી જોવા મળી રહી છે તે જોતાં આગામી સમયમાં પ્રશાસન લોકોને આપેલી છૂટછાટ પાછી ખેંચી લે તો નવાઈ નહીં. ત્યારે લોકોએ પણ સરકારની ગાઇડ લાઇનનું પાલન કરવું જરૂરી છે.