બનાસકાંઠાઃ જિલ્લાને રેડ ઝોનમાં મૂકાયા બાદ આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે અને સૌથી વધુ 450 જેટલા શંકાસ્પદ લોકોના સેમ્પલ લઇ કોરોના વાઇરસના દર્દીઓને વધુમાં વધુ ડિટેક્ટ કરી ફેલાતો અટકાવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.
વૈશ્વિક મહામારી કોરોના વાઇરસ સામે સમગ્ર દેશ અને દુનિયા મહાજંગ ખેલી રહી છે. ત્યારે આ દૈત્ય કોરોના વાઇરસના પ્રકોપથી બનાસકાંઠા જિલ્લો પણ બાકાત રહી શક્યો નથી અને આ છેવાડાના સરહદી વિસ્તારમાં પણ અત્યાર સુધી 31 કોરોના વાઇરસ સંક્રમિત લોકો મળ્યા છે.
ઉપરાંત કોરોના વાઇરસના દર્દીઓ મળી આવવાની પ્રક્રિયા ચાલુ રહેતા બનાસકાંઠા જિલ્લાને પણ રેડ ઝોનમાં મૂકાયો છે. બનાસકાંઠા જિલ્લાને રેડ ઝોનમાં મૂકતાની સાથે જ આરોગ્ય વિભાગ પણ સતર્ક બની ગયું છે.
જિલ્લામાંથી વધુમાં વધુ લોકોના સેમ્પલ લઇ કોરોના ગ્રસ્ત દર્દીઓને ડિટેક્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. જેમાં ડીસા ખાતે આવેલી ભણસાલી કોવિડ હોસ્પિટલ અને પાલનપુરમાં આવેલી બનાસ કોવિડ હોસ્પિટલમાં 450 જેટલા શંકાસ્પદ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગના તબીબોએ શંકાસ્પદ દર્દીઓનો સ્ક્રિનિંગ કરી તેમના સેમ્પલ લઇ લેબમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.