બનાસકાંઠાઃ કોરોનાના કહેર અને અસહ્ય ગરમી વચ્ચે જિલ્લાના ભાચર ગામે આવેલી ગૌશાળામાં ફૂડ પોઈઝનીંગ થતાં 40 જેટલા પશુઓના મોત થયા હોવાની ઘટના સામે આવી છે, જોકે ગૌશાળાના સંચાલકો અને ગોવાળની બેદરકારીના કારણે પશુઓના મોત થયા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે.
જિલ્લાના થરાદ તાલુકાના ભાચર ગામે આવેલી ગૌશાળામાં 40 જેટલા પશુઓએ શુક્રવારે બપોરના સમયે એરંડા ખાધા બાદ ફૂડ પોઈઝનીંગ થતાં એક બાદ એક પશુ તરફડવા લાગ્યા હતા અને તરફડયા બાદ 40 જેટલા પશુઓના મોત થયા છે. આ બનાવની જાણ થતા જ ગૌશાળાના સંચાલકો પણ દોડી આવ્યા હતા અને મોડી રાત્રે મૃત્યુ પામેલા તમામ પશુઓને જેસીબી મશીન દ્વારા ખાડાઓ ખોડી દફનાવી દીધા હતા. આ બનાવની જાણ ગ્રામજનોને થતા તેઓ ઘટનાસ્થળે આવ્યા હતા. ગૌશાળાના સંચાલકો અને ગોવાળની બેદરકારીના કારણે પશુઓના મોત થયા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે 45 ડીગ્રી ગરમીમાં એરંડા ખવડાવ્યા બાદ પાણી પીવડાવી પશુઓને દોડાવતા પશુઓનુ મોત થયુ છે. જોકે આ મામલે ગૌશાળાના સંચાલકો એ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે બેદરકારી ગમે તેની હોય પરંતુ અત્યારે 40 જેટલા પશુઓના મોત થતાં જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઇ છે.