બનાસકાંઠાઃ વાવ તાલુકાના આછુવા ગામે રહેતા રવજીભાઇ રામજીભાઇ પટેલ શનિવારે પોતાની પત્ની રઘુ બેન તથા તેમનો પુત્રને લઈને થરાદ વાવ રોડ પાસે આવેલ દૂધ શીતલ કેન્દ્ર પાસેથી મુખ્ય નર્મદા નહેરમાં કોઈ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવી જીવન ટુંકાવ્યું હતું.
પતિ,પત્ની અને પુત્ર એક સાથે કેનાલમાં ઝંપલાવતા આજુ-બાજુથી પસાર થતા લોકોનું ધ્યાન નર્મદા કેનાલ ઉપર પડતા તાત્કાલીક થરાદ પાલિકાના તરવૈયા તથા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. તરવૈયા તાત્કાલિક ઘટના સ્થળે આવી કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કરનાર એક જ પરિવારના ત્રણ ઈસમોને બહાર કાઢવાની તાજવીજ હાથ ધરવામાં આવી હતી.
કેનાલમાં એક જ પરિવારના ત્રણ સભ્યો પડયા હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં નર્મદા કેનાલ પર લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. તરવૈયા સુલતાન મીરની ભારે જહેમત બાદ ત્રણેય ઇસમોના મૃતદેહ નર્મદા કેનાલના માંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
આ ઘટનામાં પટેલ રવજીભાઈ (ઉમર 45, રહે આછુંવા), રઘુબેન રવજીભાઈ (ઉમર 42, રહે. આદુંના) તથા તેમના બાળકનું મોત નિપજ્યું હતું. એક જ ગામના એક પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.