એક તરફ ટેકનોલોજી લોકો માટે ઉપયોગી સાબિત થઈ રહી છે, તો બીજી તરફ આ જ ટેક્નોલૉજી લોકો માટે નુકસાનરૂપ પણ નીવડે છે. હાલમાં જ ડીસાની સરકારી હોસ્પિટલમાં સફાઈકર્મી તરીકે ફરજ બજાવતા સુરેશ રાઠોડ ટેક્નોલૉજીની આડ અસરનો ભોગ બન્યો છે. આ વ્યક્તિ ગત ત્રીજી જુલાઇના રોજ ડીસાની એક બેંકના એ.ટી.એમ. પર પૈસા ઉપાડવા ગયો હતો, પરંતુ પૈસા ઉપાડતા ન આવડતા હોવાથી આ યુવકે ATMમાં આવેલી એક યુવતી પાસે મદદ માંગી અને પૈસા ઉપાડ્યા હતા. સુરેશ રાઠોડ અભણ હોવાનો ફાયદો ઊઠાવી મદદે આવેલી યુવતીએ સુરેશનું ATM બદલી બાદમાં 4 જુલાઇના રોજ 10 હજાર સુરેશના ખાતામાંથી ઉઠાવી લીધા હતા અને ત્યારબાદ 9મી જુલાઇના રોજ પ્રથમ 8 હજાર અને બાદમાં 300 રૂપિયા ઉઠાવી લીધા હતા.
આ રીતે અજાણી યુવતીએ સુરેશ રાઠોડના ખાતામાંથી કુલ 18,300 રૂપિયાની છેતરપિંડી કરી લીધી છે. પોતાની સાથે થયેલી છેતરપિંડીથી મુશ્કેલીમાં મુકાઇ ગયેલા સુરેશ રાઠોડે આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. ત્યારે આ ઘટના અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે પણ ગંભીર બનીને બેંકના ATM સેન્ટરના CCTV ફૂટેજ લાવીને છેતરપિંડી કરનાર યુવતીને ખુલ્લી પાડવી જોઈએ જેથી ભવિષ્યમાં લોકો છેતરપિંડીનો ભોગ બનતા અટકાવી શકાય.