- ડેમાઈ સીટના કોંગ્રેસના ઉમેદવાર કીર્તિ પટેલે ફોર્મ પરત ખેંચતા રાજકીય હડકંપ
- કોંગ્રેસે અપક્ષ ઉમેદવારને ટેકો જાહેર કર્યો
- કોંગ્રેસે જંગી બહુમતિથી જીત મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો
અરવલ્લી: અરવલ્લી જિલ્લા પંચાયતની ડેમાઈ સીટના કોંગ્રેસના ઉમેદવાર કીર્તિ પટેલે ફોર્મ પરત ખેંચી લેતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે, કોંગ્રેસે ડેમાઈ સીટ પરના અપક્ષ ઉમેદવારને ટેકો જાહેર કરી જંગી બહુમતિથી જીત મેળવવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.
અપક્ષ ઉમેદવારી કરનાર મોહબતસિંહ સોલંકીને કોંગ્રેસનું સમર્થન
અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને ડેમાઈ જિલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના મેન્ડેન્ટ પરથી ઉમેદવારી નોંધાવનાર કિર્તી પટેલે તેમનું ફોર્મ પરત ખેંચતા રાજકીય બેડામાં સોંપો પડી ગયો હતો. જોકે, કોંગ્રેસના નેતાઓએ ડેમાઇ સીટ પર ડેમેજ કન્ટ્રોલ કરતાં ભાજપના ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી કરનાર મોહબતસિંહ સોલંકીને સમર્થન આપી જીત માટે આશા વ્યક્ત કરી હતી.
કિર્તી પટેલને કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી દુર કરાયા
બાયડ પંથકના કોંગ્રેસના કદાવર નેતા કિર્તી પટેલે એકા એક છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસમાં હડકંપ મચ્યો હતો. ડેમાઈ બેઠક ગુમાવવાનો વારો આવતા કોંગ્રેસના નેતાઓ વિકટ પરિસ્થિતિમાં મુકાયા હતા. કોંગ્રેસને ઉંઘતી રાખી ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા પક્ષના નેતાઓની કાર્યશૈલી પર અનેક પ્રશ્નો ઉભા થયા હતા. જેથી કોંગ્રેસના જિલ્લા પ્રમુખે કિર્તી પટેલને તાત્કાલિક અસરથી કોંગ્રેસના પ્રાથમીક સભ્ય પદેથી દૂર કર્યા છે.