અરવલ્લીઃ જિલ્લામાં કોરોના સંક્રમણને ધ્યાને લઇ મોડાસાની સાર્વજનિક અને બાયડની વાત્રક એમ બંન્ને હોસ્પિટલમાં 150 બેડની સુવિધા સાથે કોવિડ હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જ્યાં મોડાસાની હોસ્પિટલમાંથી 28 વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. આ હોસ્પિટલોમાં દર્દીઓએ શરૂઆતમાં અસુવિધાને લઇ વીડિયો વાયરલ કર્યો હતો. ત્યારબાદ તંત્રએ સક્રિય રીતે કામ કરી આ ત્રુટીયો દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. કોરોના સામે પહોંચી વળવા માટે જિલ્લા આરોગ્ય સુવિધાથી સજ્જ હોવાનું જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતું.

દર્દીઓને સારવાર કઇ રીતે અપાય છે. તે અંગેની વાત કરતા નોડલ અધિકારી જણાવે છે કે, દર્દીઓને સવારે ઉકાળો, બાદમાં ચા-નાસ્તો, જમવામાં પોષ્ટીક દાળ-ભાત-શાક, રોટલી અને કઠોળ સાંજે ફળાહાર અથવા ફૂ્ટ જ્યૂસ, તેમજ રાત્રે પણ મેનુ મુજબનું જમવાનું આપવમાં આવે છે. આતો થઇ જમવાની વાત પણ દર્દીઓને આવા સમયે પરિવારજનોની યાદ આવેતો વીડિયો કોલિંગની સુવિધા, તો વળી કોરોના દર્દીને શારીરિક કરતા માનસિક ભય વધારે હોય છે, ત્યારે હોસ્પિટલમાં જ તેમનું કાઉન્સેલીંગ કરાય છે. જેથી તેનો ડર દૂર થાય વળી શારિરીક સ્વસ્થતા માટે યોગા પણ કરાવાય છે.

હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ સોશિયલ ડિસ્ટન્સીન્ગથી પ્રાર્થના કરતા હોય છે, તો વળી મુસ્લિમ બિરાદરોને પણ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે તેમને નમાઝ અદા કરવા માટે પણ અલાયદી વ્યવસ્થા હોસ્પિટલમાં કરાઇ છે. હોસ્પિટલની સુવિધા અંગે વાત કરતા જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામેલીયા જણાવ્યું હતું કે, કોવિડ હોસ્પિટલમાં દિવસમાં ત્રણ ટાઇમથી વધારે સફાઇ, વોર્ડમાં બે વાર સેનેટાઇઝેશન કરવામાં આવે છે. જ્યારે આવા દર્દીઓ કપડાની ધોવાની પણ ખાસ અલગથી વ્યવસ્થા ઉભી કરાઇ છે, સોડિયમ હાઇપોક્લોરાઇડથી જંતુરહિત કરવામાં આવે છે, ત્યારબાદ વોંશિગ મશીનથી ધોલાઇ કરવામાં આવે છે. જેથી અન્ય કોઇને ચેપ ન લાગે.
હોસ્પિટલમાં ઘણીવાર તો દર્દીઓ માટે ચેસ, કેરમ, લુડો અને સાપસીડી જેવી ઇન્ડોરગેમ રમવાની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જ્યારે મોટી ઉમરના દર્દીઓ માટે માનસિક શાંતિ માટે પરામર્શ કરી તેમના જરૂરીયાત અંગે ફિડબેક પણ લેવામાં આવે છે. જ્યારે સારવાર લઇ ઘરે પરત ફરતા દર્દીઓને સાવચેતી માટે મલ્ટી વિટામીન અને વિટામીન-સીની ટેબલેટ, ઓઆરએસ પેકૅટ, માસ્ક અને સેનેટાઇઝર આપી પૂરતી તકેદારી રખાય છે.
જિલ્લામાં કોરોના વ્યાપેલા સંક્રમણ સામે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગના અસરકારક પગલા લઇ રહ્યાં છે, ત્યારે 17 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વગૃહે પરત ફર્યા છે.