અરવલ્લી જિલ્લામાં ચોમાસાની સિઝનમાં 105 ટકા કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. તેમજ ત્યારબાદ થયેલા કમોસમી વરસાદના કારણે જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેડૂતોના મગફળી, કપાસ, સોયાબીન અને કઠોળ જેવા પાકો સંપૂર્ણ પણે નિષ્ફળ ગયા છે. ખેડૂતોએ લીધેલા પાક વીમા અંગે પણ વીમા કંપનીઓએ હાથ અધ્ધર કરી લીધા છે. ત્યારે સરકારી રાહત જ ખેડૂતો માટે એક માત્ર ટકી રહેવા આધારભૂત છે.
સરકારે સમગ્ર ગુજરાતમાં થયેલા ખેડૂતોને પાક નુકસાન બાબતે 3795 કરોડની સહાય જાહેર કરી છે. જેમાં જિલ્લાના કુલ 6 તાલુકાઓમાંથી માત્ર બાયડ અને મોડાસા તાલુકાના ખેડૂતોના જ યાદીમાં નામ છે. સરકારી તંત્રની બેદરકારીના કારણે બાકીના માલપુર, મેઘરજ, ભિલોડા અને ધનસુરા તાલુકાના એક પણ ખેડૂતને સહાય પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. જેના કારણે જિલ્લાના ખેડૂતોની પડ્યા પર પાટુ જેવો ઘાટ થવા પામ્યો છે. આ બાબતને લઇ ગુરૂવારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ બળદ ગાડુ લઇ કાળી પટ્ટી આંખો પર બાંધી સરકારને જગાડવા ભારે સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને અરવલ્લી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી બાકી 4 તાલુકાઓના ખેડૂતો ને સહાય યાદીમાં સમાવવાની માગ કરી હતી.