જાણો શું છે, ત્રિપલ P..?
- Production (પ્રોડક્શન) - ઉત્પાદન
- Processing (પ્રોસેસિંગ) - પ્રક્રિયા
- Packaging (પેકેજીંગ) - માલ-સામાન પેક કરવો
અરવલ્લીઃ જિલ્લાના મેઘરજના છેવાડાના ગામડાઓની આદિવાસી બહેનો જમીનના નાના ટુકડાઓમાં દેશી (ઓર્ગેનિક) હળદર અને દેશી આદુની ખેતી કરીને આર્થિક રીતે પગભર બની છે. અગાઉ ખેતરમાં હળદર અને આદુની ખેતી કરીને છૂટક બજારમાં વેચી પૈસા મેળવતા હતા. પરંતુ ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન હેઠળ સખી મંડળનું નિર્માણ કરીને લોકલ બ્રાન્ડને બેસ્ટ સેલિંગ બ્રાન્ડ બનાવી છે. અંદાજે એક હેક્ટર જમીનમાં હળદરની ખેતી કરી લગભગ 200થી વધુ પરિવારોની આજીવિકા ચાલે છે. જેમાં 5થી વધારે સખીમંડળની 70થી વધુ બહેનો જોડાયેલી છે. જેઓ મહિને રૂ. 10 હજાર અને શિયાળાના ચારમાસના ગાળામાં રૂ.50 હજારથી વધારે કમાણી કરે છે.
અરવલ્લીના ભિલોડા અને મેઘરજ તાલુકાના બહુધા આદિજાતિ વસ્તી ધરાવતી બહેનો પહેલા ધાન્યપાક અને ઘાસચારનું વાવેતર કરી પશુપાલન પર નિર્ભર રહેતી હતી. પરંતુ સખીમંડળ દ્વારા બહેનોને બજારમાં માંગ વધારે હોય તેવી ઔષધિય પાકનું વાવેતર શરૂ કર્યુ. જેમાં આર્ગેનિક હળદર મુખ્ય પાક છે. અહીં બહેનો દ્વારા પકાવવામાં આવતી લીલી હળદર 50 રૂપિયે એક કિલોનો ભાવ હોય તો પણ તરત જ બજારમાં વેચાય જાય છે. પરંતુ તે સિવાય વધતી હળદરને જાતે પ્રોસેસિંગ કરીને પ્રોડક્ટને બજારમાં રૂ. 210ના કિલોના ભાવે વેચાણ અર્થે મૂકે છે. તેની માંગ પણ વધારે રહે છે. ઉચ્ચ અભ્યાસ પછી નોકરી ન મળતા કેટલીક બહેનોએ ખેતી કરી આત્મનિર્ભર બનવાનો નિર્ધાર કર્યો છે.
ટાંચાના સાધનો અને મર્યાદિત જમીન હોવા છતાં ગ્રામ વિકાસ દ્વારા મળેલા માર્ગદર્શનના કારણે આજે આ બહેનો એ આત્મનિર્ભર બની અન્ય લાખો બહેનો તેમજ ખેડૂતોની નવી રાહ ચીંધી છે.