- બંધ મંદિરમાં ઠાકોરજીની નિત્ય ક્રમ મુજબ સેવા થશે
- બંધ મંદિરમાં રામ નવમી પર્વ નિમિત્તે ભગવાનની વિષેશ પૂજા કરવામાં આવી
- ભગવાન શામળિયાની પૂજા અને આરતી ચાલુ રહેશે
અરવલ્લી: કોરોના વાઇરસ વધુ ન ફેલાય તે માટે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્વ શામળાજી મંદિર ને દસ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યા હતો. રામ નવમીના દિવસે મંદિર દર્શન માટે ખોલવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાના કારણે મંદિર ટ્રસ્ટ દ્રારા મંદિરને વધુ દસ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે બુધવારે રામનવમીના દિવસે બંધ બારણે ભગવાની વિષેશ પુજા કરવામાં આવી હતી. મંદિર બંધ રહે તે દિવસો દરમ્યાન બંધ મંદિરમાં ઠાકોરજીની નિત્ય ક્રમ મુજબ સેવા થશે.
આ પણ વાંચો : કોરોના સંક્રમણ રોકવા વહીવટી તંત્ર દ્વારા કિર્તિ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો
દર્શાનાર્થીઓ રહેવા માટે પ્રકાશ યાત્રી લોજ તેમજ ભોજનાલય પણ બંધ રહેશે
શામળાજીમાં રોજ હજારો દર્શનાર્થીઓ ભગવાન શામળીયાના દર્શનાર્થે આવે છે. ગુજરાતના જુદા જુદા સ્થળો ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ ભકતો ભગવાનના દર્શનનો લાભ લે છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્રારા સાવચેતીના પગલા રૂપે મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મંદિર ઉપરાંત દર્શનાર્થીઓ રહેવા માટે પ્રકાશ યાત્રી લોજ તેમજ ભોજનાલય પણ બંધ રહેશે.