- તૌકતે વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ ફંટાતા અરવલ્લીમાં પણ નુક્સાન
- જિલ્લામાં 24 કલાકમાં 22 ઈંચ વરસાદ નોંધાયો
- કમોસમી વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુક્સાન
મોડાસા: તૌકતે વાવાઝોડાએ અરવલ્લી જિલ્લાને પણ ધમરોળી નાંખ્યુ છે. મંગળવારે સમગ્ર દિવસ દરમ્યાન વરસાદી માહોલ રહ્યો હતો અને સાંજે 5 વાગ્યા પછી તૌકતે વાવાઝોડું ઉત્તર ગુજરાત બાજુ ફંટાતા અરવલ્લીમાં તેની અસર જોવા મળી હતી. તીવ્ર ગતિના પવનો સાથે સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબકતા ચારે બાજુ પાણી ભરાયા હતા. ખેતરોમાં પાણી ભરાતા ખેતીને પણ વ્યાપક નુક્સાન થયુ છે. જિલ્લાના ગામડાઓને જોડતા માર્ગો પર વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર પર પણ તેની અસર જોવા મળી હતી.
જિલ્લામાં કુલ 22 ઇંચ વરસાદ ખાબક્યો
વાવાઝોડામાં ભારે પવન સાથે વરસેલા ધોધમાર વરસાદમાં મોડાસા ચાર રસ્તા ખાતે ઢીંચણ સમા પાણી ભરાયા હતા. કેટલીક જગ્યાઓએ મહાકાય વૃક્ષો ધારાશાયી થયા હતા. અરવલ્લીમાં છેલ્લા 24 કલાકમાં કુલ 22 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
તાલુકા પ્રમાણે વરસાદ
તાલુકો | વરસાદ (મી.મી) |
મોડાસા | 103 |
ભિલોડા | 84 |
મેઘરજ | 89 |
માલપુર | 65 |
બાયડ | 100 |
ધનસુરા | 122 |