અરવલ્લીઃ જીવનની એક્તાને વિવિધતામાં બદલવા અને મનને ગમતું જીવન બનાવવા માટે કેટલાક લોકો મનગમતા શોખ કેળવે છે. આવા જ એક પૌરાણિક વસ્તુઓના સંગ્રહના શોખીન અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરમાં કિરીટભાઈ શેઠ છે. તેમના કલેકશનમાં એક ઇંચના દુર્લભ કુરાન અને બે ઇંચની ગીતાનો સમાવેશ છે. તો ચાલો નિહાળીએ કિરીટભાઇ શેઠના ખજાનાને...
જીવનની ઢળતી સંધ્યાએ પહોંચેલા કિરીટભાઇ શેઠ છેલ્લા કેટલાય વર્ષોથી પૌરાણિક વસ્તુઓનો સંગ્રહ કરી રહ્યા છે. તેમના સંગ્રહમાં કેટલીક અદભુત અને બેનમુન વસ્તુઓ છે અને આ વસ્તુઓનો સંગ્રહ તેમણે સર્વધર્મ સમભાવ સાથે કર્યો છે. જ્યારે તેમને એક ઇંચના કુરાન શરીફ દર્શન થયા તો તેને પોતાના સંગ્રહનું ઘરેણું બનાવ્યું હતું.
વળી બે ઇંચની ગીતા પણ તેમના કલેક્શનને ચાર ચાંદ લગાવી રહી છે. આ વસ્તુઓનો સંચય કરવાનો શોખ કિરીટ ભાઇને ક્યારેથી અને કેવી રીતે થયો તે જણીએ. કિરીટ ભાઇ પાસે વર્ષો જુના ચલણી સીક્કા, હુક્કો, એશ ટ્રે, ચમચા, કાજળની ડબ્બી, 200 વર્ષ જુનો કેમરા, ગાંધીજીના યુગના ચશમાં અને ઘડીયાળ જેવી 20ઓ કરતા વધારે વસ્તુઓનો ખજાનો છે.
શોખ એવી લગન છે, જે બીબાઢાળ જીવનમાં રંગો ભરવા માટે ચાવીરૂપ કામ કરે છે, ત્યારે કિરીટ ભાઇ શેઠે પૌરાણિક વસ્તુઓનો સંગ્રહ કરી પોતાના જીવનને રસમય બનાવ્યું છે.